પેથોલોજી વિભાગના એચઓડી અને જી.જી. હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિ. સામે ગંભીર આક્ષેપો સાથે રાષ્ટ્રીય તબીબી આયોગને રજૂઆત
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૦ઃ
જામનગરની એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ અને સંલગ્ન જી.જી. હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. રાજ્યની અમદાવાદ, ભાવનગર અને સુરત સહિતની સરકારી મેડિકલ કોલેજોમાં રેગિંગ સહિતના મુદ્દાઓને લઈને અગાઉ વિવાદો સર્જાયા બાદ હવે જામનગર મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ પેથોલોજી વિભાગના વડા અને સંલગ્ન જી.જી. હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ સામે માનસિક ત્રાસ તથા ગેરવર્તણૂક સહિતના ગંભીર આક્ષેપો સાથે રાષ્ટ્રીય તબીબી આયોગ સમક્ષ ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે.
રેસિડેન્ટ તબીબોની ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પેથોલોજી વિભાગના વડા દ્વારા સ્ટાફ તેમજ રેસિડેન્ટ તબીબોને અપમાનિત કરવામાં આવે છે અને માનસિક ત્રાસ આપવામાં આવે છે. આ ઉપરાંત દારૂના સેવન બાદ ગેરવર્તણૂક કરવામાં આવતી હોવાના પણ આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.ફરિયાદમાં ખાનગી લેબના કામને લઈને પણ રેસિડેન્ટ તબીબો ઉપર દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કેટલાક જુનિયર રેસિડેન્ટ તબીબો પોતાની વાત રજૂ કરવામાં પણ ડરતા હોવાની અને વિભાગમાં ભયનું વાતાવરણ હોવાની રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ તમામ આક્ષેપોને લઈને રાષ્ટ્રીય તબીબી આયોગ સમક્ષ ફરિયાદ કરવામાં આવતા મામલો ચર્ચામાં આવ્યો છે.
બીજી તરફ રેસિડેન્ટ તબીબો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને પેથોલોજી વિભાગના એચઓડી તથા જી.જી. હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટે સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમય દરમિયાન જામનગરની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારી કામગીરી કરવામાં આવી છે અને હોસ્પિટલની સુવિધાઓમાં પણ વધારો થયો છે. આવી કામગીરીને લઈને કોઈ વ્યક્તિ ઈર્ષા રાખીને આ પ્રકારનું કાવતરું કરી રહ્યું હોવાની પણ તેમણે પ્રતિક્રિયા આપી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે જામનગરની સરકારી હોસ્પિટલમાં કેથલેબ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જ્યારે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝનું માન્યતા પ્રમાણપત્ર પણ મેળવવામાં આવ્યું છે. કેન્સરના દર્દીઓ માટે બાયોપ્સી સહિતની વિવિધ તબીબી કામગીરી પણ કરવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
હવે રેસિડેન્ટ તબીબોની ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અને તેની સામે આપવામાં આવેલા ખુલાસા વચ્ચેની હકીકત શું છે તે અંગે રાષ્ટ્રીય તબીબી આયોગ અથવા સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.

