(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૫ઃ
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં નશાની હાલતમાં ઘરે આવી પતિએ બોલાચાલી કરતાં પત્નીએ ૧૧૨ નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી નશામાં ધૂત પતિને ઝડપી લઈ તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
શંકરટેકરી કાદરીચોક વિસ્તારમાં રહેતી ભાવિશાબેન ભીખુભાઈ ઘેડિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તા. ૧૪ સપ્ટેમ્બરના બપોરના આશરે બે વાગ્યાના અરસામાં તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમના પતિ ભીખુભાઈ મોરજીભાઈ ઘેડિયા, ઉંમર ૪૦ વર્ષ, નશાની હાલતમાં ઘરે આવી બોલાચાલી કરવા લાગ્યા હતા.આથી ભાવિશાબેને ૧૧૨ નંબર પર ફોન કરતાં પોલીસની ટીમ ઘરે પહોંચી હતી અને ભાવિશાબેન તથા તેમના પતિ ભીખુભાઈને પોલીસ મથકે લઈ આવી હતી. ત્યાં ભીખુભાઈનું નામ-સરનામું પૂછતાં તેઓ થોથરાતી જીભે બોલતા હતા. તેમના મોઢામાંથી કેફી પ્રવાહી પીધાની તીવ્ર વાસ આવતી હતી, આંખો નશાથી લાલ જણાતી હતી તેમજ ઊભા રહેતાં અને ચાલતાં શરીરનું સમતોલપણું જાળવી શકતા ન હોવાથી લથડિયા ખાતા હોવાનું પોલીસે નોંધ્યું હતું.
પોલીસે ભીખુભાઈને દારૂ પીવા અંગે પાસ-પરમિટ રજૂ કરવા જણાવતાં તેમની પાસે કોઈ પાસ-પરમિટ ન હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેમને જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)(બી) તથા ૮૫(૧) હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

