પતિ, સાસુ અને જેઠ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ; સોનાના દાગીના લઈ લીધા હોવાનો પણઆક્ષેપ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૫ઃ
જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષની પરિણીતાએ પોતાના પતિ, સાસુ અને જેઠ સામે દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૮૫, ૧૧૫(૨), ૩૫૨, ૫૪ તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ ૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, મહેંદીબેનના નિકાહ તા. ૨૫ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ અકબરભાઈ કાસમભાઈ જખરા સાથે મુસ્લિમ શરિયત મુજબ થયા હતા. લગ્ન બાદ તેઓ જામનગરમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને તેમને કોઈ સંતાન નથી. લગ્નના થોડા સમય બાદથી જ પતિ નાની-નાની બાબતોમાં ઝઘડો કરી ગાળો આપતા તેમજ મારકૂટ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સાસુ પણ ઘરકામ જેવી બાબતોમાં ઝઘડો કરી ગાળો આપતી અને માર મારતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પરિણીતાને દહેજમાં કંઈ લાવેલ નથી તેવા મેણાટોણા મારી વારંવાર ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ છે. જેઠ ફિરોજભાઈએ નિકાહ વખતે ચડાવેલા સોનાના તમામ દાગીના લઈ લીધા હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
ફરિયાદ મુજબ, પતિ, સાસુ અને જેઠ એકસંપ થઈ પરિણીતાને તેના માવતરના ઘરેથી રૂા. પાંચ લાખ લઈ આવવા દબાણ કરતા અને રૂપિયા નહીં લાવે તો ઘરમાંથી કાઢી મૂકી પતિના બીજા નિકાહ કરાવી દેવાની ધમકી આપતા હતા. આ રીતે શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ, ગાળો અને મારકૂટ સહન કરતી પરિણીતાએ ઘર સંસાર જાળવી રાખવાની આશાએ અત્યાર સુધી ચૂપ રહી હતી.
આશરે ત્રણ મહિના પહેલાં પતિ તેને માવતરના ઘરે મૂકી ગયા બાદ તેડવા આવ્યા ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. દરમિયાન પતિ અન્ય સ્ત્રી સાથે મિત્રતાના સંબંધમાં હોવાની જાણ થતાં પરિણીતાએ પતિ, સાસુ અને જેઠ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં અરજી કરી હતી. આ અરજીના અનુસંધાને પોલીસ દ્વારા પરિણીતાને તથા તેના પિતાને બોલાવી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ સમાધાન થઈ શક્યું ન હતું.
આખરે તા. ૧૪ સપ્ટેમ્બરના રોજ પરિણીતાએ પોતાના પિતા અકબરભાઈ અને માતા અમીનાબેન સાથે મહિલા પોલીસ મથકમાં પહોંચી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ કરવામાં વિલંબ અંગે તેણે પતિ સાથે સમાધાન કરી ફરી સાસરે જવા માંગતી હતી, પરંતુ પતિએ સમાધાન નહીં કરતાં તેમજ તેને તેડવા નહીં આવતાં ફરિયાદ કરવાની ફરજ પડી હોવાનું જણાવ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

