(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૮ઃ
જામનગરના સાંઢીયા પુલથી કનસુમરા પાટિયા તરફ જતા માર્ગ પર મારુતિ સુઝુકી શોરૂમ સામે પુરઝડપે આવેલી બુલેટે બાઈકને પાછળથી ટક્કર મારતા વેપારી રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં વેપારીને હાથ તથા માથાના ભાગે ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
શંકરટેકરી વિસ્તારમાં રહેતા શાહરૂખ કાદરભાઈ સુલેમાનભાઈ મકરાણી (ઉ.વ.૩૪) ન્યુ જીલાણી પ્રોસેસ નામની પેઢી ધરાવી વેપાર કરે છે. તેઓ તા.૩૦/૦૮/૨૦૨૬ના રોજ સવારે આશરે સાડા દસ વાગ્યે પોતાની બાઈક નં. જીજે-૧૦-ડીક્યુ-૪૪૪૪ લઈને સાંઢીયા પુલથી કનસુમરા જીઆઈડીસી ખાતે આવેલા કારખાને જઈ રહ્યા હતા.
દરમિયાન કનસુમરા પાટિયા નજીક મારુતિ સુઝુકી શોરૂમ સામે પહોંચતા પાછળથી પુરઝડપે અને બેફિકરાઈથી આવેલી રોયલ એનફિલ્ડ બુલેટ નં. જીજે-૦૬-યુએ-૭૧૧૪ના ચાલકે તેમની બાઈકને પાછળથી ટક્કર મારી હતી. ટક્કરના પગલે શાહરૂખભાઈ બાઈક સાથે રોડ પર પટકાયા હતા અને તેમના બંને હાથ, માથા સહિત શરીરના અન્ય ભાગે ઈજાઓ થઈ હતી.
અકસ્માત બાદ બુલેટચાલક સ્થળ પરથી નીકળી ગયો હતો. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા ઓળખીતા ભરતભાઈ ભાટુએ ઈજાગ્રસ્ત શાહરૂખભાઈની મદદ કરી હતી. તેમના મોટાભાઈ સફેરાજભાઈને જાણ કરવામાં આવતા તેઓ કાર લઈને આવ્યા હતા અને શાહરૂખભાઈને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં તથા ત્યારબાદ અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બાદમાં દિવ્યા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ત્રણ દિવસ સારવાર આપ્યા બાદ તેમના ડાબા હાથનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તા.૦૨/૦૯/૨૦૨૬ના રોજ રજા મળ્યા બાદ તબિયત સ્વસ્થ થતાં શાહરૂખભાઈએ અકસ્માત સર્જનાર બુલેટચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

