ડિસેમ્બર ૨૦૨૬માં મુદત પૂરી થતા, ભારત રાષ્ટ્રીય હિતો અને રાજ્યોની જરૂરિયાત ધ્યાને લઈ નિર્ણય કરશે
New Delhi, તા.૨૦
પાકિસ્તાન સાથેના સિંધુ જળ સમજૂતીને સ્થગિત કર્યા બાદ હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મહત્વપૂર્ણ ફ્રક્કા જળ સંધિ પણ મોટા વિવાદના ઘેરામાં આવી ગઈ છે. આગામી ડિસેમ્બર ૨૦૨૬માં આ સંધિની મુદત પૂરી થઈ રહી છે, ત્યારે ભારત પોતાના રાષ્ટ્રીય હિતો અને રાજ્યોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેને આગળ વધારવા અંગે ગંભીર મંથન કરી રહ્યું છે. ખાસ કરીને બિહારમાં આ સંધિ સામે ભારે વિરોધના સુર ઉઠી રહ્યા છે, જેના કારણે કેન્દ્ર સરકાર પર પણ દબાણ વધ્યું છે.
બિહાર સરકાર અને શાસક પક્ષ જનતા દળ (યુનાઇટેડ) ના નેતાઓનું સ્પષ્ટ માનવું છે કે ફ્રક્કા બેરેજની ખામીયુક્ત રચના અને તેના કારણે ગંગા નદીમાં મોટા પ્રમાણમાં જમા થતી માટી (જીૈઙ્મં) ને કારણે નદીનો પ્રવાહ અને તળ ઊંચું આવી ગયું છે. આ પરિસ્થિતિના કારણે દર વર્ષે ચોમાસાની સિઝનમાં બિહારના મોટાભાગના વિસ્તારોમાં વિનાશક પૂરનું જોખમ ઊભું થાય છે, જ્યારે ઉનાળાની ઋતુમાં પાણીનું સ્તર ઘટી જવાથી તીવ્ર જળસંકટનો સામનો કરવો પડે છે. જદયુના નેતાઓએ સંસદમાં પણ આ મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો છે અને માંગ કરી છે કે સંધિ નવીકરણ કરતા પહેલા વર્ષ ૨૦૫૦ સુધીની ગંગા બેસિનના રાજ્યોની પાણીની જરૂરિયાતોનો વ્યાપક અભ્યાસ કરવામાં આવે.
જદયુના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા અને પ્રવક્તા રાજીવ રંજન પ્રસાદે જણાવ્યું કે પૂર્વ મુખ્ય પ્રધાન નીતિશ કુમાર વર્ષોથી માટી પ્રબંધન અને ગંગાની અવિરલતાનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે. અગાઉ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આ અંગે સ્પષ્ટતા કરી હતી કે સરકાર બિહારની સુરક્ષા અને જરૂરિયાતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને જ યોગ્ય નિર્ણય લેશે.
ઉલ્લેખનીય છે કે ભારતની વિદેશ નીતિ હંમેશાં પડોશી દેશો સાથે સંતુલન અને સહયોગની રહી છે, પરંતુ કેટલાક પાડોશી દેશોની સ્થાનિક રાજનીતિને કારણે અવારનવાર અવરોધો ઊભા થાય છે. બાંગ્લાદેશ સાથે ૧૨ ડિસેમ્બર ૧૯૯૬ ના રોજ થયેલી આ ફ્રક્કા સંધિ ૧ જાન્યુઆરીથી ૩૧ મે વચ્ચે ગંગાના પાણીના વિતરણને નક્કી કરે છે. હવે જ્યારે આ કરાર પૂરો થવામાં છે, ત્યારે બાંગ્લાદેશનું વલણ રક્ષણાત્મક બન્યું છે અને ભારત સમક્ષ પોતાની આંતરિક સુરક્ષા તથા રાજ્યોના જળ અધિકારોનું રક્ષણ કરવાનો મોટો પડકાર સામે આવ્યો છે.

