Mumbai, તા.૨૦
મુંબઈના કોસ્ટલ રોડ પર સર્જાયેલા ગંભીર BMW કાર અકસ્માતમાં અમદાવાદના એક યુવકનું કરુણ મોત નિપજ્યું છે. મૃતક યુવકની ઓળખ અમદાવાદના નવરંગપુરા સ્થિત સ્વસ્તિક સોસાયટીમાં રહેતા અને વૈભવી પરિવારના પુત્ર શનાય ગજ્જર તરીકે થઈ છે, જે મુંબઈ ખાતે આર્કિટેક્ચરનો અભ્યાસ કરવા ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મૃતકના પિતા તાત્કાલિક મુંબઈ જવા રવાના થયા હતા. આ ગમખ્વાર અકસ્માતના સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને આઘાતમાં સરેલો પરિવાર કેમેરા સમક્ષ કંઈપણ બોલવાથી દૂર રહ્યો હતો. જોકે, ઘરમાં હાજર ફાલ્ગુનભાઈના માતાએ શનાય તેમનો જ પૌત્ર હોવાની અને અકસ્માતગ્રસ્ત BMW કાર પણ ફાલ્ગુન ગજ્જરના નામે જ હોવાની પુષ્ટિ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટનામાં ભોગ બનેલા ત્રણેય યુવકો અમદાવાદના છે.
મૃતક શનાય ગજ્જર અમદાવાદના ઉચ્ચ અને વૈભવી વિસ્તાર ગણાતા નવરંગપુરાની સ્વસ્તિક સોસાયટીનો રહેવાસી હતો. તે મુંબઈ ખાતે આર્કિટેક્ચરનો અભ્યાસ કરવા માટે ગયો હતો. અકસ્માતના આઘાતજનક સમાચાર મળતા જ શનાયના પિતા ફાલ્ગુનભાઈ ગજ્જર તાત્કાલિક મુંબઈ જવા માટે રવાના થઈ ગયા હતા. એકના એક યુવાન દીકરાને ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
આટલી મોટી હોનારત બાદ શોકમાં ડૂબેલો પરિવાર અત્યંત આઘાતમાં હોવાથી તેમણે કેમેરા સમક્ષ કંઈ પણ બોલવાથી અંતર જાળવ્યું હતું. જોકે, ઘરે હાજર ફાલ્ગુનભાઈના માતાએ દુઃખી હૈયે વાતચીત કરતા પુષ્ટિ કરી હતી કે મૃત્યુ પામનાર શનાય તેમનો જ પૌત્ર છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અકસ્માતગ્રસ્ત લક્ઝુરિયસ BMW કાર પણ ફાલ્ગુનભાઈ ગજ્જરના નામે જ રજીસ્ટર્ડ થયેલી હતી.
શનાય ગજ્જર એક અત્યંત વૈભવી અને સંપન્ન પરિવારનો ચિરાગ હતો. ઉચ્ચ શિક્ષણ મેળવીને આર્કિટેક્ટ બનવાનું સ્વપ્ન સેવી રહેલા યુવાનનું મુંબઈમાં આ રીતે અચાનક અકસ્માતમાં મોત નિપજતા સમગ્ર ગજ્જર પરિવાર અને નવરંગપુરા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટના અંગે મુંબઈ પોલીસે આગળની કાનૂની અને તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

