બંને આગેવાનના કોન્ટેક નંબરોમાં લગ્નની કંકોત્રીના નામે હેકર દ્વારા એપીકે ફાઇલ મોકલાઈ,પોલીસે આવી એપીકે ફાઈલ ન ખોલવા એડવાઈઝરી જારી કરી
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૦ઃ
અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા જ સમયથી સાયબર ગઠિયાઓમાં પોતપ્રકાશી રહ્યા છે. જિલ્લામાં હજુ એસ.ડી.એપનું કૌભાંડ ચર્ચામાં છે. તેવા સમયે અમરેલી શહેરના વિવિધ સંસ્થા સાથે જોડાયેલા બે આગેવાનોના મોબાઈલ નંબર કોઈ હેકરે હેક કર્યા બાદ તે મોબાઈલ નંબર ઉપરથી હેકર દ્વારા સેકડો લોકોને લગ્ન કંકોત્રીના નામે એપીકે ફાઈલ મોકલવામાં આવી હતી. આ ફાઇલ ખોલતા જ અનેક લોકોના મોબાઈલ હેક થયા હતા. પોલીસે આવી એપીકે ફાઈલ ના ખોલવા લોકોને અપીલ કરી છે. જો કે, જે લોકોના ફોન હેક થયા છે તેમના બેંક ખાતાઓમાંથી નાણા ઉપડયા કે કેમ? તે હજુ સ્પષ્ટ થયું નથી.
સાઇબર ગઠિયાઓએ મોબાઈલ હેક કરવા માટે અમરેલીના રાજકીય રીતે સંકળાયેલ અને લેઉવા પટેલ સમાજ તથા એક કડવા પટેલ સમાજના આગેવાનોને પસંદ કર્યા હતા. જેમાં અમરેલીના કડવા પાટીદાર સમાજના પ્રમુખ અને જાણીતા પટેલ મંડપ સર્વિસ વાળા વજુભાઈ ગોલનો મોબાઇલ હેક થયો હતો. અને મોબાઈલમાંથી સેકડો લોકોને એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી. તેમના ઘરે શુભ પ્રસંગ હોવાના નામે મેસેજ સાથેની કંકોત્રી અનેક લોકોના મોબાઇલમાં પહોંચી હતી. વજુભાઈ પટેલ શહેરની અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. તેમના તરફથી આમંત્રણ મળતા જ અનેક લોકોએ આ ફાઈલ ખોલી હતી. જેને પગલે તેમના મોબાઈલ પણ હેક થયા હતા.
આવી જ રીતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો. જી. જે ગજેરાનો મોબાઈલ પણ હેક થયો હતો અને તેમના મોબાઇલમાંથી પણ અનેક લોકોને એપીકે ફાઈલ મોકલવામાં આવી હતી. જો કે બંને આગેવાનોનો મોબાઇલ હેક થયા બાદ તેમનું ચાલતું બંધ થઈ ગયું હતું. આ અંગે જાણ થતા જ બંને આગેવાનો અમરેલી સાયબર પોલીસ મથકે પહોંચ્યા હતા પોલીસે હાલમાં તેમના મોબાઇલમાંથી આ પ્રકારની ફાઈલો દૂર કરાવી હતી અને ઇન્ટરનેટ કનેક્શન બંધ કરાવ્યું હતું. જો કે જે લોકોને છેતરપિંડીના ઉદેશથી એપીકે ફાઈલ મોકલવામાં આવી હતી તે સંદર્ભમાં હાલ કોઈ કાર્યવાહી થઈ શકી ન હતી.
સામાન્ય રીતે એપીકે ફાઈલ ઓપન કર્યા બાદ મોબાઈલ એક થાય છે. આવી એપીકે ફાઈલ ઓપન મોબાઈલનો કમાન્ડ હેકરના હાથમાં ચાલ્યો જાય છે. આવા કિસ્સામાં જે લોકો ઓનલાઈન પેમેન્ટ કરતા હોય છે. અને તેમના એકાઉન્ટનો કમાન્ડ પણ હેકરના હાથમાં જતો હોય તેમના ખાતામાંથી રકમ ઉપડી જવાની પૂરેપૂરી શક્યતા છે. હાલમાં કેટલા લોકોના મોબાઇલ હેક થયા અને કોઈની સાથે નાણાની છેતરપિંડી થઈ છે કે કેમ તે સ્પષ્ટ થઈ શક્યું નથી.
આ બનાવની તાત્કાલિક પોલીસમાં જાણ કરવામાં આવતા અમરેલી જિલ્લા પોલીસની દ્વારા લોકો માટે અપીલ કરી હતી કે, સાયબર ઠગો દ્વારા આવી શંકાસ્પદ ફાઇલના માધ્યમથી મોબાઇલમાં હાનિકારક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી વ્યક્તિગત માહિતી, બેંકિંગ વિગતો અથવા અન્ય સંવેદનશીલ ડેટાનો દુરુપયોગ કરી સાયબર ફ્રોડ આચરવામાં આવી શકે છે. તેથી વોટ્સએપ પર પ્રાપ્ત થતી અજાણી ફાઇલને તાત્કાલિક ડિલીટ કરી દેવી અને તેને ખોલવી કે ઇન્સ્ટોલ કરવી નહીં.
અમરેલી જિલ્લા પોલીસે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે, કોઈપણ શંકાસ્પદ લિંક, ફાઇલ અથવા એપ્લિકેશન અંગે ઉતાવળમાં કાર્યવાહી ન કરે અને મોબાઇલમાં અજાણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું ટાળે. સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં તાત્કાલિક ૧૯૩૦ નંબર પર ડાયલ કરી ફરિયાદ નોંધાવવા જણાવાયું છે. સાથે જ સાયબર ક્રાઇમ અંગેની લેટેસ્ટ અવેરનેસ અને મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે નાગરિકોને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરવા પણ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

