Mahadev Online Betting App કેસનાં મુખ્ય ફરાર આરોપી અભિષેક કુમારની દુબઇથી હૈદરાબાદ પહોંચતા જ ધરપકડ
New Delhi, તા.૨૫
ઇડીએ રાયપુરની એક કોર્ટને જણાવ્યું હતું કે Mahadev Online Betting App અને તેનાથી જોડાયેલ વેબસાઇટોએ છેલ્લા ૧૦ વર્ષોમાં ૯૪,૪૦૦ કરોડ રૂપિયાની ગેરકાયદે કમાણી કરી છે.ઇડીએ વધુમાં જણાવ્યું હતું કે તેનું મુખ્ય પ્લેટફોર્મ હજુ પણ ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં પેનલ (બેટિંગ માટે અલગ અલગ ગ્રૂપ કે સિસ્ટમ) ચાલી રહી છે.
કેન્દ્રીય એજન્સીએ આ વાત છત્તીસગઢની રાજધાનીમાં પીએમએલએની વિશેષ કોર્ટમાં કેટલાક દિવસ પહેલા દાખલ પોતાની છઠ્ઠી ચાર્જશીટમાં જણાવી છે. જેમાં કુલ ૪૨ લોકો અને કંપનીઓને આરોપી બનાવવામાં આવ્યા છે.એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે મહાદેવ એપ જેનાં મુખ્ય પ્રમોટર અને પેનલ સભ્ય આ જ રાજ્યનાં છે. એજન્સીનાં જણાવ્યા અનુસાર મહાદેવ ઓનલાઇન બુકનાં નામથી જાણીતી આ એપ વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રૂપ તથા ફેસબુક પેજ દ્વારા આ સટ્ટાબાજી વેબસાઇટોનું પ્રચાર કરે છે.આ એપ હજારો યુવાનોને સટ્ટાબાજી અને મનોરંજન માટે ઓછા સમયમાં નાણા કમાવવાની લાલચ આપી પોતાની તરફ ખેંચતી હતી.
એજન્સીએ છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં દાખલ સાત પોલીસ એફઆઇઆરને ધ્યાનમાં રાખી ઓક્ટોબર, ૨૦૨૨માં પીએમએલએ ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો.ઇડીએ ચાર્જશીટમાં જણાવ્યું છે કે પીએમએલએ, ૨૦૦૨ હેઠળ તપાસનાં તાજેતરનાં પરિણામો પરથી જાણવા મળે છે કે મહાદેવ ઓનલાઇન બુકિંગ એપ્લીકેશન હજુ પણ ચાલુ છે અને મોટી સંખ્યામાં પેનલ ચલાવી રહ્યાં છે.અધિકારીઓએ ગુરૂવારે જણાવ્યું હતું કે સીબીઆઇએ મહાદેવ ઓનલાઇન બેટિંગ એપ કેસનાં મુખ્ય આરોપી અભિષેક કુમારની ધરપકડ કરી લીધી છે. તે ફરાર હતો અને તે દુબઇથી હૈદરાબાદનાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યો હતો.

