(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૫ઃ
જામનગરના હર્ષદમિલની ચાલી વિસ્તારમાં આવેલા આવાસમાં રહેતા ૨૬ વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ લેતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે સીટી-એ ડિવિઝન પોલીસ દ્વારા અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસમાંથી મળતી વિગતો મુજબ, હર્ષદમિલની ચાલી ખાતે ડો. એ.પી.જે. અબ્દુલ કલામ આવાસના બી-૫૦૧માં રહેતા સાગરભાઈ રામજીભાઈ માંગલિયા (ઉંમર ૨૬ વર્ષ) છેલ્લા કેટલાક વર્ષોથી દારૂ પીવાની ટેવ ધરાવતા હતા તેમજ આશરે પાંચ વર્ષથી માનસિક બીમારીની સારવાર લઈ રહ્યા હતા. જોકે, તેઓ નિયમિત દવા લેતા ન હોવાનું પોલીસ નોંધમાં જણાવાયું છે.દરમિયાન તા.૨૪ સપ્ટેમ્બરના રોજ સવારે આશરે સાડા આઠ વાગ્યાના અરસામાં સાગરભાઈએ પોતાના ઘરે હોલમાં છતના હુક સાથે ઓઢણી બાંધી તથા મોઢા ઉપર પ્લાસ્ટિકની કોથળી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે તેમના ભાઈ શૈલેષભાઈ રામજીભાઈ માંગલિયા દ્વારા સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતાં પોલીસે બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. તપાસ એ.એસ.આઈ. આર.એ. જાડેજા દ્વારા કરવામાં આવી રહી છે.

