’સિઝન્સ સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટ’ અને ’શ્રી મનુભાઈ વોરા મેમોરિયલ ફાઉન્ડેશન’ દ્વારાં અદકેરું આયોજન
Rajkot તા.૨૫ઃ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર ડો .જયદીપસિંહ ડોડિયાના અધ્પાપન ક્ષેત્રે કુલ ચાર દાયકાના અને સૌરાષ્ટ્? યુનિવર્સિટી ખાતે ૨૮ વર્ષના સ્મરણીય સેવાકાળ બાદ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ વયનિવૃત્ત થતા હોઈ તેમને સન્માનપત્ર અર્પણ કરીને વિશિષ્ટ ઢબે સન્માનિત કરવાનો એક વિશિષ્ટ ઉપક્રમ ૪ ઓક્ટોબર , ૨૦૨૬, રવિવારની ઢળતી સાંજે ૫ કલાકે શ્રી મનુભાઈ વોરા ઓપન એર થિયેટર , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાઉસિંગ સોસાયટી, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે યોજાઈ રહ્યો છે.
’સિઝન્સ સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટ’ અને ’શ્રી મનુભાઈ વોરા મેમોરિયલ ફાઉન્ડેશન’ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ રળિયામણાં કાર્યક્રમનું પ્રમુખસ્થાન પ્રોફે. ઉત્પલ જોષી, કુલપતિશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શોભાવશે. મુખ્ય મહેમાન તરીકે ડો. કમલેશ જોષીપુરા, ભૂતપૂર્વ કુલપતિશ્રી , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ ઉપક્રમની આભામાં ઉમેરણ કરશે. ઉપરાંત, ડો.કલ્પક ત્રિવેદી, ભૂતપૂર્વ ઉપકુલપતિશ્રી, તથા શ્રી અનુપમભાઈ દોશી, પ્રણેતાશ્રી, ’સાહિત્ય સેતુ’ અને ડો. રાજેશ કાલરિયા, ડિરેક્ટરશ્રી, ’સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ’ની વિશિષ્ટ ઉપસ્થિતિ આ કાર્યક્રમની ગરિમા વધારશે.
આ ઉપરાંત સર્વશ્રી સંજુ વાળા, દિલીપ જોષી, મહેન્દ્ર જોષી, જય છનિયારા તેમ જ આર.પી.જોષી વગેરે સાહિત્ય- કલાક્ષેત્રના મર્મજ્ઞ મિત્રો આ ઉપક્રમને વિશેષ રીતે રમણીય, સ્મરણીય અને શ્રવણીય બનાવશે. આ રળિયામણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રો. જયદીપસિંહ ડોડિયા પ્રત્યેનો પોતાનો ભાવ અને અહોભાવ વ્યક્ત કરવા માટે બંને આયોજક સંસ્થાના સંવાહકો શ્રી અજયભાઈ જોષી, સુશ્રી અલ્કાબેન વોરા તથા શ્રી કૌશિકભાઈ મહેતા દ્વારા સૌ વિદ્યાપ્રેમી રસિકજનોને પ્રેમાગ્રહપૂર્ણ અનુરોધ કરવામાં આવે છે.આ કાર્યક્રમની સાથે સાથે વિખ્યાત હાસ્ય કલાકાર જય છનિયારાનો પણ દિવ્યાંગો માટે મનોરંજનનો કાર્યક્રમ પણ રાખેલ છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર અને અધ્યાપક અગ્રણી પ્રો. જયદિપસિંહ ડોડિયા તેમની યુનિવર્સિટી સેવાના ૨૮ વર્ષ પુરા કરી તા. ૧૯૯૮માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયાં. એ પહેલા રાજકોટની શ્રીમતી એમ. ટી. ધમસાણીયા કોમર્સ કોલેજ અને માંગરોળની શ્રી શારદાગ્રામ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અંગ્રેજીનાં અઘ્યાપક તરીકે ફરજ બજાવેલ. આ અગાઉ તેમણે જામનગર મુકામે પાંચ વરસ શાળા અને કોલેજના વિધાર્થીઓને માર્ગદર્શન આપેલ.
૧૯૯૮માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની કારકિર્દી શરુ કરનાર પ્રો. જયદિપસિંહ ડોડિયા સેનેટ સભ્ય, સીન્ડીકેટ સભ્ય તેમજ વિનયન વિદ્યાશાખાના ડીન તરીકે ફરજ બજાવી ચુક્યા છે. વર્ષ ૨૦૧૩ માં તત્કાલીન કુલપતિ ડો. મહેન્દ્રભાઈ પાડલીયા લંડનના પ્રવાસે ગયા ત્યારે ગુજરાતનાં તત્કાલીન રાજ્યપાલ ડો. કમલા બેનીવાલે કાર્યકારી કુલપતિ તરીકે પ્રો. ડોડીયાની નિમણૂંક કરી હતી. પ્રો.જયદિપસિંહ ડોડીયાનો વર્ષ ૨૦૧૩ માં કાર્યકારી કુલપતિ તરીકેનો ખુબ જ અલ્પ સમય ગાળો ગુજરાત રાજ્યનું શિક્ષણ જગત લાંબા સમય સુધી યાદ રાખે તેવો યશશ્વી રહ્યો હતો.

