ચોરીને અંજામ આપે તે પૂર્વે રાજકોટ પોલીસ ત્રાટકી બંને શખ્સોને દબોચી રૂ. ૯૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો, એલસીબી ઝોન-૨ અને યુનિવર્સીટી પોલિસની સંયુક્ત કામગીરી
Rajkot તા.૧ઃ
Rajkotના રૂડાનગરમાં આવેલ બંધ મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરીને અંજામ આપનાર આંતરરાજ્ય ગેંગની બેલડી દેહરાદૂનથી ઝડપાઈ છે. યુપીના શખ્સો ફક્ત ચોરી કરવા અહીં રાજકોટ આવ્યા હતા. દિવસ દરમિયાન તસ્કરોએ રૂડાનગરના મકાનની રેકી કરી હતી અને રાત્રિના સમયે મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણાં, રોકડ સહીતની મતા ઉઠાવી યુપી ફરાર થઇ હતી. બાદ ફરીવાર તસ્કર ગેંગ દહેરાદૂનમાં ચોરી કરે તે પૂર્વે જ રાજકોટ પોલીસે ત્રાટકી દહેરાદૂનથી બંને શખ્સોને પકડી રૂ. ૯૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ રૂડાનગર ત્રણમાં રહેતા રાજેશભાઈ જયંતીભાઈ સંચાણિયા (ઉ.વ.૪૧) દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અહીં પરિવાર સાથે રહે છે. તેમના માતા-પિતા વતન હરીપર પાળ ગામે રહે છે.ગઈ તા. ૫-૯-૨૦૨૬ ના યુવાનના માતા-પિતા જાત્રાએ ગયા હોય જેથી તે તથા તેનો પરિવાર માતા-પિતાના ઘરે રહેવા જતો રહ્યો હતો અને રોજ રાત્રિના તેમનો પુત્ર નિશાંત રૂડાનગરના મકાને સુવા માટે જતો હતો પરંતુ પુત્રને રાજસ્થાન જવાનું હોવાથી બે દિવસ આ ઘરે કોઈ આંટો મારવા ગયું ન હતું. દરમિયાન બે દિવસ સુધી બંધ રહેલા મકાનમાંથી રૂ. ૮૦ હજારની રોકડ, રૂ. ૧.૬૨ લાખના સોનાના ઘરેણાં અને રૂ. ૪૦,૫૦૦ ના ચાંદીના આભૂષણ મળી કુલ રૂ. ૨,૮૨,૫૦૦ ની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. જે મામલે યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. રૂડાનગર માં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન રિસોર્સથી તસ્કરોની તપાસ હાથ ધરી હતી.
દરમિયાન પોલીસ ટીમને ટેકનિકલ સોર્સ તથા ખાનગી રાહે હકીકત મળી હતી કે, રૂડા નગરના મકાનમાં ચોરીને અંજામ આપનાર તસ્કરો હાલ ઉત્તરાખંડના દહેરાદૂનમાં હાજર છે. જેથી તાત્કાલિક પોલીસની ટીમ દેહરાદુન ખાતે દોડી ગઈ હતી અને ત્યાંથી બે શંકાસ્પદ શખ્સોને ઉઠાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ હાથ ધરતા તેમણે રાજકોટના રૂડાનગરમાં આવેલ મકાનમાં ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસની ટીમે નસીમ કયુમભાઈ સૈફી (ઉવ ૩૦) અને દીપકકુમાર ઝંડુભાઇ જાટવ (ઉવ ૨૨ બંને રહે. સંભલ, ઉત્તર પ્રદેશ)ની ધરપકડ કરી તેમની પાસેથી ચાંદીના ચાર રાણી સિક્કા, રૂ. ૭૭,૩૦૦ ની રોકડ અને બે મોબાઈલ મળી કુલ રૂ. ૯૦,૩૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ઝડપાયેલ બંને શખ્સો ફક્ત ચોરી કરવા માટે યુપીથી અહીં રાજકોટ આવ્યા હતા. તેમણે દિવસ દરમિયાન કાલાવડ રોડ સહિતના વિસ્તારોની રેકી કરી હતી.
દરમિયાન રૂડાનગરમાં આવેલ મકાન બંધ હાલતમાં હોય તસ્કરોની દાઢ ડળકી હતી. મકાનની દિવસ દરમિયાન રેકી કર્યા બાદ રાત્રીના સમયે ત્રાટકી રોકડ અને દાગીના મળી કુલ રૂ.૨.૮૨ લાખની માતાની ચોરી કરી બંને શખ્સો પોતાના વતન યુપી ખાતે નાસી ગયા હતા. બાદમાં યુપીથી તેઓ ફરીવાર ચોરી કરવાના ઇરાદે દેહરાદુન પહોંચ્યા હતા પરંતુ દહેરાદૂનમાં તેઓ કળા કરે તે પૂર્વે જ રાજકોટ પોલીસ ત્રાટકી હતી અને બંનેની ધરપકડ કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલ શખ્સ નસીમ સામે યુપીમાં ચોરી સહિતના આઠ ગુના નોંધાઈ ચુક્યા છે.

