Bhavnagar તા.૬
યુવાનોનેે સૌથી વધુ આકર્ષતા નવલા નવરાત્રિ મહોત્સવ આડે હવે ગણત્રીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ પર્વમાં ખાસ અલાયદા અને ઉડીને આંખે વળગે તેવા મનોહર ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભૂષણોની ખરીદી માટે ભાવનગર શહેર અને જિલ્લાની વિવિધ બજારોમાં ભારે ધમધમાટ વધી રહ્યો છે.નવરાત્રિમાં દરરોજ અલગ અલગ જાતના વસ્ત્રો અને આભૂષણો પહેરીને યુવાનો રાસ ગરબાના ગ્રાઉન્ડમાં સૌથી અલગ અને ચિત્તાકર્ષક દેખાવા માટે ગૃપવાઈઝ અલગ અલગ એકસરખા પરપ્રાંતીય થીમ અને લૂક ધરાવતા આભુષણો અને વસ્ત્રોની ખરીદી માટે ૨૫ દિવસ પૂર્વે જ તૈયારીઓ શરૃ કરી દેતા હોય છે. શહેરના વોરાબજાર, પીરછલ્લા શેરી, વાઘાવાડી રોડ, વિકટોરીયા પાર્કની સમગ્ર દિવાલ તેમજ કાળીયાબીડ સહિતના સ્થળોએથી વસ્ત્રો અને આભૂષણોની ધૂમ ખરીદી થઈ રહેલ છે. આ વર્ષે બહેનો માટેના ચણીયાચોળી, સનેડો, ગામઠી, કચ્છી સંસ્કૃતિવાળા ચણીયાચોળી, બ્રોકેડ પટ્ટાવાળા નવરંગી ઓઢણી અને લગડી પટ્ટાવાળા ચણીયાચોળીની યંગસ્ટર્સમાં ડિમાન્ડ રહી છે.
જયારે ભાઈઓ માટે બાટીક પ્રિન્ટ, બાંધણીવાળા, બ્લોક પ્રિન્ટવાળા, કેડીયુ, ચોરણી, વર્કવાળા કુર્તા, ઝભ્ભા અને જીન્સનો ક્રેઝ યથાવતપણે જોવા મળી રહ્યો છે. બહેનો માટેના આભૂષણોમાં દામણી, કલરવાળા બાજુ, બલોયા, બે અને ત્રણ સ્ટેપવાળા ડોકીયા, કંદોરા, વેરાયટીવાળી માળાઓ, ટીકા, બુટ્ટી, ડોળીયા, પોખાની અને ઓકસોડાઈઝના સેટની ડિમાન્ડ રહી છે. કમ્મરતોડ મોંઘવારીના કારણે કાપડના ભાવ વધ્યા છે એટલુ જ નહિ, વસ્ત્ર ઉપરના વર્ક માટેના લેબરવર્કના ભાવ પણ વધ્યા છે. જયારે આભૂષણોના રો મટીરીયલ્સના ભાવ પણ વધી રહ્યા હોય બંનેના ભાવ દોઢ ગણા વધી ગયા છે તેમ છતાં પણ તેની ડિમાન્ડ યથાવત જોવા મળી રહેલ છે.

