Ahmedabad, તા.૬
દરિયાપુર વિસ્તારમાં રહેતા અને સિલાઈ કામ કરી ગુજરાન ચલાવતા એક ગરીબ કારીગર સાથે ક્રેડિટ કાર્ડની સ્કીમ બંધ કરવાના નામે રૂ. ૯૪,૬૯૮ની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં એક્સિસ બેંકના કર્મચારી તરીકે ફોન કરી સ્કીમ બંધ કરવાના બહાને વોટ્સએપ પર લિંક મોકલી પિન નંબર મેળવી લીધા હતા. ત્યારબાદ પૈસાની ઠગાઇ કરવામાં આવી હતી. આ અંગે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.મૂળ રાજસ્થાનના અને હાલ દરિયાપુરના લુણસાવાડ ત્રણ બત્તી પાસે આવેલા અશોકભાઈ પ્રજાપતિના મકાનમાં ભાડે રહેતા અને સિલાઈ કામ કરતા રાવલરામ ઘેવરરામ દરજી (ઉ.વ. ૩૨) નામના યુવાને એક મહિના અગાઉ જ એક્સિસ બેંકનું ક્રેડિટ કાર્ડ કઢાવ્યું હતું. ૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં તેમના મોબાઈલ નંબર પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતે એક્સિસ બેંકમાંથી બોલતો હોવાનું જણાવીને ક્રેડિટ કાર્ડમાં કોઈ સ્કીમ ચાલુ છે અને દર મહિને રૂ. ૨૪૦૦ કપાઈ જશે તેમ કહી ડર ઊભો કર્યો હતો.
ઠગબાજે આ સ્કીમ બંધ કરવી હોય તો એક લિંક મોકલી આપું છું તેમ કહીને વોટ્સએપ પર એક લિંક મોકલી હતી. ફરિયાદીએ ભોળાઈને તે લિંક પર ક્લિક કરતા જ એક્સિસ બેંકની એપ ખુલી હતી, જેમાં નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ક્રેડિટ કાર્ડ નંબર તથા તેનો પિન નંબર નાખવા જણાવવામાં આવ્યું હતું. કારીગરે વિશ્વાસ રાખીને તમામ વિગતો નાખી દેતા ‘સક્સેસ’ લખેલું આવ્યું હતું અને એક રેફરન્સ નંબર મળ્યો હતો, જેનો સ્ક્રીનશોટ પાડીને તેમણે સામેવાળાને મોકલી આપ્યો હતો.થોડીવારમાં જ ફરિયાદીના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો કે તેમના એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી રૂ. ૯૪,૬૯૮ ડેબિટ (ઉપાડી) લેવામાં આવ્યા છે. જેથી તાત્કાલિક તે નંબરે ફોન કરતા ફોન ઉપાડવામાં આવ્યો ન હતો, જેનાથી પોતાની સાથે ળોડ થયાનું ધ્યાને આવતા તેમણે તાત્કાલિક બેંકના હેલ્પલાઈન નંબર તથા બાદમાં સાયબર ક્રાઇમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે દરિયાપુર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ આદરી છે.

