Dahod, તા.૬
દાહોદમાં વન્યજીવ રેસ્ક્યુ દરમિયાન એક અત્યંત દુર્લભ અને આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદની રેસ્ક્યુ ટીમે દાહોદ વનવિભાગના સહયોગથી એક જ શરીર અને બે સ્વતંત્ર માથાં ધરાવતા દુર્લભ વુલ્ફ સ્નેક (વરુદંતી)નું રેસ્ક્યુ કર્યું છે. મંડળની સ્થાપનાના દિવસે એટલે કે ૪ ઓક્ટોબરે જ આ અનોખું રેસ્ક્યુ થતાં વન્યજીવ નિષ્ણાતો અને પ્રકૃતિપ્રેમીઓમાં ભારે કુતૂહલ જોવા મળ્યું છે.પ્રકૃતિ મિત્ર મંડળના જણાવ્યા મુજબ, દાહોદમાં તેમજ સંભવિત રીતે ગુજરાતમાં પ્રથમ વખત બે મોઢા ધરાવતો વુલ્ફ સ્નેક જોવા મળ્યો છે. આ સાપના રેસ્ક્યુની ઘટના દુર્લભ ગણાઈ રહી છે અને વન્યજીવપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.સામાન્ય રીતે વુલ્ફ સ્નેક (વરુદંતી) બિનઝેરી અને માનવ માટે હાનિકારક ન ગણાતો સાપ છે. તે સામાન્ય રીતે મકાનોની આસપાસ જોવા મળતી ગરોળી અને નાના જીવોનો શિકાર કરે છે. પર્યાવરણમાં નાના જીવોની સંખ્યા નિયંત્રિત કરવામાં તેની ભૂમિકા હોવાથી તેને ઈકોસિસ્ટમ માટે ઉપયોગી માનવામાં આવે છે.
વિજ્ઞાનની ભાષામાં એક જ શરીર પર બે માથાં વિકસિત થવાની સ્થિતિને ‘બાયસેફાલી’કહેવામાં આવે છે. જિનેટિક અથવા ભ્રૂણ વિકાસ દરમિયાન થતી અસામાન્યતાને કારણે આવી સ્થિતિ સર્જાઈ શકે છે અને વન્યજીવોમાં તેનો જોવા મળવો અત્યંત દુર્લભ છે.રેસ્ક્યુ કરાયેલા આ સાપના બંને માથાં સ્વતંત્ર રીતે કાર્ય કરતા હોવાનું જોવા મળ્યું હતું. બંને માથાં પોતપોતાની રીતે દિશા નક્કી કરવા અને ખોરાક મેળવવાનો પ્રયાસ કરી શકે છે. આવી સ્થિતિમાં શિકાર કરતી વખતે બંને માથાં વચ્ચે સંકલનનો અભાવ રહેવાની શક્યતા હોય છે, જ્યારે શિકારીથી બચવામાં પણ મુશ્કેલી પડી શકે છે.બે માથાં ધરાવતા સાપ માટે કુદરતી વાતાવરણમાં લાંબો સમય જીવિત રહેવું મુશ્કેલ હોવાનું નિષ્ણાતો માને છે. તેમ છતાં, દાહોદમાં સામે આવેલા આ દુર્લભ રેસ્ક્યુએ વન્યજીવ અને પર્યાવરણ ક્ષેત્રે રસ ધરાવતા લોકોનું ધ્યાન ખેંચ્યું છે. પ્રકૃતિ મિત્ર મંડળ અને વનવિભાગના સહયોગથી કરાયેલા આ રેસ્ક્યુને દાહોદના વન્યજીવપ્રેમીઓ માટે એક અનોખી ઘટના માનવામાં આવી રહી છે.

