New Delhi, તા.21
રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઈએની 6ઠ્ઠી એન્ટી ટેરર કોન્ફરન્સ શુક્રવારે સંપન્ન થઈ હતી આ સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આતંકવાદ અને વિદેશી ધરતી પર છુપાયેલા અપરાધીઓ વિરૂધ્ધ કડક સંદેશ આપી કહ્યું હતું કે વિદેશની ધરતી પર શરણ લેનાર દરેક ભાગેડુને ભારત લાવવામાં આવશે અને તેમના પર કાયદા મુજબ કેસ ચાલશે.
ગૃહમંત્રીએ 36 દેશોથી 303 ભાગેડુઓને ભારત લાવવા માટે કેન્દ્રીય અને રાજય એજન્સીઓની કામની પ્રસંશા કરી હતી. 19 અને 20 નવેમ્બરે ડીઆરડીઓ ભવનમાં થયેલા આ સંમેલનમાં 40 ડીજી સહિત 230 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન સામાન્ય લોકોને ડિજિટલ એરેસ્ટથી બચાવનાર `પુષ્ટિ’ પોર્ટલ અને 50 સ્ટેટસ વાળી તપાસ ગાઈડ બુક પણ લોન્ચ કરી હતી.
અમિત શાહે આતંકવાદની પૂરી ઈકો સિસ્ટમ પર પ્રહાર કરવાનો નિર્દેશ કરી કહ્યું હતું- આતંકવાદીઓ પર કાર્યવાહી સાથે સીમા પાર બેઠેલા તેમના હેન્ડલર અને ફંડીંગ નેટવર્કને જડથી ઉખાડવું પડશે.
આ ઉપરાંત સંગઠીત અપરાધ સાથે સંકળાયેલા લોકો અને સ્થાનિક મદદગારોને પણ પૂરી રીતે ખતમ કરવા જરૂરી છે. ગૃહમંત્રીએ આતંકવાદ અને સંગઠીત અપરાધ સાથે ડ્રગ્સ તસ્કરીની ગઠજોડને ખતમ કરવાને પ્રાથમિકતા આપી હતી.

