Mumbai,તા.21
દિગ્દર્શક નિતેશ તિવારીની મહાકાવ્ય આધારિત ફિલ્મ `રામાયણ’ થિયેટરોમાં રિલીઝ થયાના 15મા દિવસે વિશ્વભરમાં રૂા.1,600 કરોડના જાદુઈ આંકડાની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે.
રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ અભિનીત આ ફિલ્મે 15મા દિવસે ભારતમાં રૂા.19.35 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મનું કુલ વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન રૂા.1,547.15 કરોડ પર પહોંચી ગયું છે. `સેકનિલ્ક’ના આંકડા મુજબ, શુક્રવારે પાંચ ભાષાઓના 21,437 શોમાંથી હિન્દી વર્ઝને રૂા.14 કરોડ, મલયાલમે રૂા.1.75 કરોડ, તમિલે રૂા.1.50 કરોડ, કન્નડે રૂા.1.40 કરોડ અને તેલુગુ વર્ઝને રૂા.70 લાખની કમાણી કરી છે.
ફિલ્મનાં 15મા દિવસનાં કલેક્શન સાથે ભારતમાં તેનું કુલ ગ્રોસ કલેક્શન રૂા.1,032.15 કરોડ અને ડોમેસ્ટિક નેટ કલેક્શન રૂા.863.75 કરોડ થયું છે, જ્યારે વિદેશી બજારોમાંથી રૂા.515 કરોડની કમાણી થઈ છે.
શુક્રવારે ફિલ્મની અંદાજે 9.28 લાખ ટિકિટો વેચાઈ હતી, જેનાથી અત્યાર સુધીમાં કુલ 3,48,95,085 ટિકિટોનું વેચાણ નોંધાયું છે. `રામાયણ’ અત્યાર સુધીની સૌથી ઝડપી રૂા.1,500 કરોડની કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે, જેણે ‘ધુરંધર 2’ (16 દિવસ), ‘પુષ્પા 2’ (17 દિવસ), ‘બાહુબલી 2’ (20 દિવસ) અને ‘દંગલ’ (30 દિવસ) ને પાછળ છોડી દીધી છે.
વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોની યાદીમાં ‘રામાયણ’ પાંચમા ક્રમે પહોંચી ગઈ છે અને હવે તેનું આગામી લક્ષ્ય ચોથા ક્રમે રહેલી ‘પુષ્પા 2′ (રૂા.1,742 કરોડ) નો રેકોર્ડ તોડવાનું છે. `દંગલ’ અને `ધુરંધર 2′ બાદ રૂા.1,500 કરોડની ક્લબમાં પ્રવેશનારી આ ત્રીજી હિન્દી ફિલ્મ છે. આ ઉપરાંત, ભારતમાં રૂા.1,000 કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન કરનારી છઠ્ઠી ભારતીય ફિલ્મ બનવાનું ગૌરવ પણ તેણે હાંસલ કર્યું છે.
`રામાયણ’એ બીજા વીકએન્ડમાં રૂા.196 કરોડ અને બીજા અઠવાડિયાના પ્રથમ છ દિવસમાં રૂા.279.80 કરોડનું નેટ કલેક્શન કરીને `ધુરંધર 2′, `પુષ્પા 2′ અને `બાહુબલી 2′ ના રેકોર્ડ ધ્વસ્ત કર્યા છે.
રણબીર કપૂર, સાઈ પલ્લવી અને નિતેશ તિવારીની કારકિર્દીની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી આ ફિલ્મ કર્ણાટક, આંધ્રપ્રદેશ-તેલંગાણા, તમિલનાડુ અને કેરળ એમ ચારેય દક્ષિણી રાજ્યોમાં રૂા.50 કરોડથી વધુની કમાણી કરનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની છે. નોર્થ અમેરિકામાં પણ 25 મિલિયન ડોલરથી વધુની કમાણી સાથે તે ‘બાહુબલી 2’ ને પાછળ છોડી બીજી સૌથી મોટી ભારતીય ફિલ્મ બની ગઈ છે.

