Vrindavan, તા.૭
Vrindavanના પ્રેમાનંદ મહારાજને લઈને ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. શિષ્યના શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ બાદ પ્રેમાનંદ મહારાજ અને તેમના આશ્રમ પર અનેક ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
આ જ કડીમાં એવો પણ દાવો કરાયો હતો કે, વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજના પ્રથમ દર્શન માટે બોલાવવા માટે ૫ કરોડ રૂપિયા અપાયા હતા. જોકે, હવે આ આરોપો પર વિરાટ કોહલી અને તેમની ટીમે સખત વાંધો વ્યક્ત કર્યો છે.
હકીકતમાં, શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ દિનેશ ફલાહારીએ આરોપ લગાવ્યો હતો કે, વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્માને પ્રેમાનંદ મહારાજને મળવા માટે ૫ કરોડ રૂપિયા અપાયા હતા. જોકે, વિરાટ કોહલીની ટીમે આ અંગે કડક પ્રતિક્રિયા આપી છે. વિરાટ કોહલી તરફથી જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં આ આરોપોને સંપૂર્ણપણે ખોટા, પાયાવિહોણા અને તથ્યોની વિરુદ્ધ ગણાવવામાં આવ્યા છે.
કોહલીના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું કે, પ્રેમાનંદ મહારાજ સાથેની મુલાકાત સંપૂર્ણપણે આસ્થા, શ્રદ્ધા અને સન્માન સાથે જોડાયેલી છે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ફલાહારી મહારાજ દિનેશ શર્મા દ્વારા વિરાટ કોહલી પર લગાવવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે ખોટા, આધારવિહોણા અને તથ્યાત્મક રીતે ખોટા છે. વિરાટ કોહલી પ્રેમાનંદ મહારાજને પોતાની ઊંડી આસ્થા અને મહારાજ પ્રત્યેના સન્માનના કારણે મળે છે. આ સાથે જ કોહલીની ટીમે મીડિયા પાસેથી અપીલ કરી છે કે, આવી કોઈપણ અફવા અથવા આરોપને આગળ વધારતા પહેલાં તેની સંપૂર્ણ માહિતીની પુષ્ટિ કરવામાં આવે.
નોંધનીય છે કે, વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્મા અને બંને બાળકો વામિકા તથા અકાય સાથે અનેક વખત કેલી કુંજ આશ્રમમાં પ્રેમાનંદ મહારાજને મળવા જઈ ચૂક્યા છે. વિરાટ કોહલી ઉપરાંત અન્ય ઘણા સેલિબ્રિટીઓ પણ પ્રેમાનંદ મહારાજના દર્શન માટે જાય છે.

