Karjan, તા.૮
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કણભા ગામમાં છેલ્લા કેટલાક સમયથી વાંદરાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.મળતી માહિતી મુજબ, છેલ્લા એક મહિનામાં કપિરાજ દ્વારા આશરે ચાર જેટલા ગ્રામજનો પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ગતરોજ પણ એક મહિલા પર વાંદરાએ અચાનક હુમલો કરતાં તેમના હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજા એટલી ગંભીર હતી કે મહિલાને સારવાર દરમિયાન ૩૨ જેટલા ટાંકા લેવા પડ્યા હતા. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં વધુ ફફડાટ ફેલાયો છે.વારંવાર વાંદરાના હુમલાની ઘટનાઓ સામે આવી રહી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતાં ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધોમાં વાંદરાના હુમલાનો ભય વ્યાપ્યો છે. કણભા ગામના રહેવાસીઓએ તંત્રનું ધ્યાન દોરી આ હુમલાખોર વાંદરાને તાત્કાલિક પાંજરે પૂરી ગામમાં ફેલાયેલા ભયને દૂર કરવા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે વધુ કોઈ વ્યક્તિ હુમલાનો ભોગ બને તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તે જરૂરી છે.

