Ahmedabad, તા.૮
શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં નવી બની રહેલી બિલ્ડિંગ પાસે માટી પુરાણનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થતાં નીચે દબાઈ જવાથી ૨૭ વર્ષીય શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સવારે ૯ વાગ્યે બનેલી આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા શ્રમિકને તાત્કાલિક એલ.જી.ના આઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે મણિનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.મૂળ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના યાદપુરના વતની અને હાલ એલ.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રહીને લેબર કામ કરતા છુટન શુક્રુમાર મંડલ (ઉં.વ. ૨૭) મંગળવારે સવારે જૂની એલ.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કડિયા મજૂરી કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક માટી પુરાણના કારણે બાજુની દીવાલ પર દબાણ વધતાં દીવાલ એકાએક તેમના પર ધરાશાયી થઈ હતી. દીવાલ નીચે દબાઈ જવાને કારણે છુટનભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા. આ ઘટના બનતાં જ સ્થળ પર કામ કરતા સાથી મિત્ર ક્રિષ્ના તેમને તાત્કાલિક સારવાર અર્થે સવારે ૯ઃ૨૦ વાગ્યે એલ.જી. હોસ્પિટલના આઈ.સી.યુ. વોર્ડમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન સવારે ૧૧ઃ૦૫ વાગ્યે તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે હોસ્પિટલ ચોકી તરફથી વર્ધી મળતાં મણિનગર પોલીસ મથકના એ.એસ.આઈ. રાજેશભાઈ સ્થળ પર દોડી ગયા હતા.

