અકસ્માતમાં સમાધાનના બહાને બોલાવી યુવાનને છરીના છ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
મૂળ અમરેલીનો પરેશ ચૌહાણને આંબેડકરનગર ચોક નજીક બોલાવી રાધે, અનિલ ઉર્ફે કાનો સહિત ચાર શખ્સએ પૂર્વયોજિત કાવતરું રચી હત્યા કરી
Rajkot તા.૧૩ઃ
રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા થયાં છે. ગત તા.૨ ઓક્ટોબરની મોડી રાત્રે જંગલેશ્વરના ખ્વાજા ચોક નજીક જૂનાગઢ ગણેશનગરમાં રહેતા ૫૬ વર્ષીય રીક્ષાચાલક પ્રૌઢ ઇકબાલ ઉર્ફે જૂનાગઢી લોધીની પાઇપના ઘા ઝીંકી હત્યા નીપજાવી દેવામાં આવી હતી. જે મામલાની હજુ શાહી સુકાઈ નથી ત્યાં આંબેડકરનગર ચોક નજીક ગત મોડી રાત્રે મવડી પાળ રોડ પર રહેતા ૨૮ વર્ષીય યુવાન પરેશ ચૌહાણને છરીના છ ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
સપ્તાહ પૂર્વે બાઈક અથડાવા મામલે થયેલી માથાકૂટનું સમાધાન કરવા બોલાવી કુખ્યાત રાધે, અનિલ ઉર્ફે કાનો સહીત ચાર શખ્સોએ યુવાનનું ખૂન કરી ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી અને તાલુકા પોલિસની ટીમોએ દોડી જઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.હત્યાની ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર મવડી પાળ રોડ પર આવેલ મીરા ટાઉનશિપમાં રહેતાં પરેશ ટાભાભાઈ ચૌહાણ (ઉ.વ.૨૮) અઠવાડિયા પહેલાં મવડી-પાળ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે બાઈક અથડાવવા બાબતે સ્થાનિક શખ્સો સાથે ત ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. આ સામાન્ય ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગઈકાલે મોડી રાત્રે સામા પક્ષના શખ્સોએ આ વિવાદનો અંત આણવા અને સમાધાન કરવાના બહાને પરેશને આંબેડકર ચોક નજીક મળવા માટે બોલાવ્યો હતો.
પરેશ કોઈ પણ જાતના સંશય વગર ત્યાં પહોંચ્યો હતો, પરંતુ તેને ખ્યાલ નહોતો કે સમાધાનના બહાને તેને મોતના મુખમાં ધકેલવા માટેનું આ પૂર્વયોજિત કાવતરું હતું.પરેશ ઘટનાસ્થળે પહોંચતા જ પૂર્વતૈયારી સાથે આવેલા શખ્સોએ તેના પર હુમલો કરી દીધો હતો. કઈ પણ સમજાય તે પહેલાં જ હુમલાખોરોએ પોતાના ગજવામાંથી તીક્ષ્ણ છરીઓ કાઢીને પરેશ પર આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. હુમલાખોરોએ પરેશ ચૌહાણને છરીના છ ઘા ઝીંકી દેતા તે લોહીલુહાણ હાલતમાં જીવ બચાવવા માટે બૂમાબૂમ કરવા લાગ્યો હતો. દરમિયાન મધરાતે હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલો પરેશ જમીન પર ઢળી પડ્યો હતો અને વધુ પડતું લોહી વહી જવાને કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.પોલીસના જણાવ્યા અનુસાર, આ જઘન્ય ગુનાને અંજામ આપનારાઓમાં કુખ્યાત રાધે તેમજ અનિલ ઉર્ફે કાનો અને તેમની સાથેના અન્ય બે અજાણ્યા શખ્સો સહિત કુલ ચાર જણાએ ભેગા મળીને આ હત્યાકાંડ આચર્યો છે.
હત્યાની ક્રૂર ઘટનાને અંજામ આપ્યા બાદ ચારેય નરાધમો અંધારાનો લાભ લઈને બાઈક પર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ શહેર પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. સ્થાનિક તાલુકા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબી સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર થઈ ગયેલા કુખ્યાત રાધે, અનિલ ઉર્ફે કાનો અને તેના સાગરીતોને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આંબેડકરનગર ચોક નજીક એક માસ પૂર્વે મારામારીમાં ઘવાયેલા યુવકે દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો
શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આંબેડકર ચોક પાસે ગત તા ૧૬ ના રોજ ચાની હોટલ વાહન રાખવા બાબતે ઝઘડો થયો હતો જેમાં યુનિવર્સિટી રોડ પર પુષ્કળ ગામ સોસાયટીમાં રહેતા અને ગોંડલ રોડ પર નાસ્તાની દુકાન ચલાવતા પ્રેમ રમેશભાઇ ઉંમર વર્ષ ૨૨ અને તેનો પિતરાઈ ભાઈ મીત પ્રકાશભાઈ ઉંમર વર્ષ ૧૯ સાથે પાર ઉર્ફે બેબો સોલંકી એ ચાનો લોખંડના ડોયા વડે માર મારી નાસી છૂટ્યા હતા ઇજાગ્રસ્ત યુવાનો ને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે પ્રેમ વિરડાને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યો હતો રાજકોટ તાલુકા પોલીસે બાળ આરોપી અને પાર્થ ઉર્ફે બેબો સોલંકીની ધરપકડ કરી હતી જેમાં અમદાવાદ સારવાર લઇ રહે પ્રેમ રમેશભાઈ વિરડા ૩૦ દિવસની સારવારમાં દમ તોડ્યો હતો આ અંગે તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી જુવાનજોધ પુત્રના મોતથી માતા-પિતા પર આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા

