Rajkot,તા.૨૭
ગુજરાતમાં ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આર્થિક સહાય સામે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. હેક્ટરદીઠ માત્ર ૮,૫૦૦ રૂપિયાની સહાયને ખેડૂતોના પ્રશ્નોનું પૂરતું નિરાકરણ ન ગણાવતા દ્વારકાના ખેડૂત આગેવાનોએ સરકારને નિર્ણય પર ફેરવિચારણા કરવાની માગ કરી છે. જો સહાયના ધોરણોમાં ફેરફાર કરવામાં નહીં આવે, તો આગામી ૧૨ નવેમ્બરથી સરકાર સામે ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ખેડૂત આગેવાનોએ સરકાર સમક્ષ દુષ્કાળ સહાયના ધોરણોમાં ફેરફાર કરવા ઉપરાંત ખેડૂતોનું ૩ લાખ રૂપિયા સુધીનું ખેતધિરાણ માફ કરવાની માગ કરી છે. ખેડૂત આગેવાનોના જણાવ્યા અનુસાર, અગાઉ દુષ્કાળની સ્થિતિમાં ખેડૂતોને ૧૫૦ ટકા સુધીનો પાકવીમો મળતો હતો. તે સમયે પાકવીમા ઉપરાંત આપત્તિ રાહત ભંડોળમાંથી પણ સહાય મળતી હોવાથી ખેડૂતોને બેવડો લાભ મળતો હતો. ખેડૂત નેતાએ આક્ષેપ કર્યો કે વર્તમાન સરકારે પાકવીમા યોજના બંધ કરીને ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે. તેમના મતે, દુષ્કાળની સ્થિતિમાં જાહેર કરવામાં આવેલી સહાય ખેડૂતોને થયેલા નુકસાનની સરખામણીમાં અપૂરતી છે.
રાજ્ય સરકારના નિર્ણય મુજબ, નિર્ધારિત ધોરણો અનુસાર હેક્ટરદીઠ ૮,૫૦૦ રૂપિયાની સહાય આપવામાં આવશે. જોકે, આ સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં જ મળશે. પશુ શિબિરોમાં રાખવામાં આવતા પશુઓ માટે પશુદીઠ રોજના ૮૦ રૂપિયા લેખે બે મહિના સુધીની સહાય સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી ચૂકવવામાં આવશે. આ ઉપરાંત, ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો ઊભી કરવા માટે વી.બી.જી. રામ જી. યોજના હેઠળ ૧૫૦ માનવદિનની રોજગારી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા-૨૦૧૬ અનુસાર ઉચ્ચ સ્તરીય બેઠકો બાદ લેવાયેલો આ નિર્ણય ૧ નવેમ્બર, ૨૦૨૬થી અમલમાં આવવાનો છે.
સરકારના જણાવ્યા અનુસાર, જૂન-જુલાઈ ૨૦૨૬થી કલેક્ટરોને વિશેષ સત્તા આપીને અત્યાર સુધીમાં ૧.૨૧ કરોડ કિલોગ્રામ ઘાસનું પ્રતિ કિલોગ્રામ ૨ રૂપિયાના રાહત દરે વિતરણ કરવામાં આવ્યું છે. હાલ ૩ કરોડ કિલોગ્રામ ઘાસનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે અને વધારાના ઘાસની ખરીદી પણ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પહેલાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં સહાય જાહેર કરવાના નિર્ણયને રાજકીય વર્તુળોમાં ડેમેજ કંટ્રોલ તરીકે જોવામાં આવી રહ્યો છે. ખેડૂતો અને પશુપાલકોની નારાજગી વચ્ચે સહાયના ધોરણો અંગે સરકાર શું નિર્ણય લે છે અને ૧૨ નવેમ્બરથી આંદોલન શરૂ થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.

