Rajkot તા.૨૭ઃ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ૨૬ ઓક્ટોબરથી ૦૧ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન વિજિલન્સ અવેરનેસ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે આ અભિયાનની થીમ ‘‘સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ’’ છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય વહીવટી પ્રણાલી અને પ્રક્રિયાઓમાં સુધારા દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની સાથે-સાથે પારદર્શિતા અને જવાબદેહીને પ્રોત્સાહન આપવાનો છે.
આ પ્રસંગે આજે રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાના અધ્યક્ષસ્થાને સત્યનિષ્ઠા પ્રતિજ્ઞા ( ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી મીનાએ ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને સત્યનિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા.
કાર્યક્રમમાં એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી બ્રિજેશ કુમાર સિંહ, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીના, સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર શ્રી અમૃત સોલંકી સહિત અન્ય શાખા અધિકારીઓ, રેલવે કર્મચારીઓ અને ટ્રેડ યુનિયનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામે સત્યનિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક પોતાની ફરજો નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

