(મિલન જોશી દ્વારા)
Junagadh તા.૨૭ઃ
Junagadhના સખી વન સ્ટોપ સેન્ટરમાંથી ગત તા. ૧૯/૧૦/૨૦૨૬ના રોજ નાસી ગયેલી બાંગ્લાદેશી મહિલાને જૂનાગઢ એ ડિવિઝન પોલીસે ટેકનિકલ સોર્સ, સીસીટીવી ફૂટેજ તથા સઘન તપાસ દ્વારા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેથી સફળતાપૂર્વક ઝડપી લીધી છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ મહિલા ખોટું નામ ધારણ કરીને જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતી હતી. અને સી ડિવિઝન પોલીસે તેને પકડીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રાખી હતી, જ્યાંથી તે ભાગી છૂટી હતી. આ અંગે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણજોગ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ અંગે જૂનાગઢ રેન્જ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચનાથી પીઆઈ એ.બી. ચૌધરી અને પીએસઆઈ આર.આર. બ્લોચના માર્ગદર્શન હેઠળ ટીમે સખી વન સ્ટોપ સેન્ટર ખાતેથી ભાગેલી મહિલાને પકડવા કામગીરી શરૂ કરી હતી. જે દરમિયાન એએસઆઈ શૈલેષભાઈ સોંદરવા, હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ અને કોન્સ્ટેબલ દિશેનભાઈને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરથી ખાલેદા ઉર્ફે મીથીલા ઉર્ફે સાથી (રહે. બાંગ્લાદેશ)ને પકડી પાડી, આગળની કાયદેસરની તપાસ માટે સી ડિવિઝન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

