વોર્ડ નં.૨, ૩, ૭, ૧૩, ૧૪ અને ૧૭માં રાજમાર્ગ, રહેણાંક વિસ્તારોની હાલત સુધરશે
Rajkot તા.૨૭ઃ
Rajkot મહાપાલિકા વિસ્તારમાં છ વર્ષ પહેલા ભળેલા માધાપર સહિતના સેન્ટ્રલ ઝોનના અડધો ડઝન વોર્ડમાં દિવાળી બાદ ડામર કામ રી-કાર્પેટ અને ડિઝાઇન રોડ બનાવવા માટે ૪પ.૭૬ કરોડના કામના ટેન્ડર આજે બાંધકામ શાખા દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. નવા વિસ્તાર, જુના રાજકોટના વેપારી વિસ્તાર, સોસાયટીઓ, જુદી જુદી રહેણાંક શેરીઓમાં આ ડામર કામ માટે ઓફર મંગાવવામાં આવી છે.
વોર્ડ નં.૨, ૩, ૭, ૧૩, ૧૪ અને ૧૭માં આ ડામર કામ કરવાના છે. તા.૨૭-૧૦ થી ૧૮-૧૧ સુધીમાં ઇ-ટેન્ડર ડાઉનલોડ કરી શકાશે. તા.૩ના રોજ પ્રિ-બીડ, તા.૧૮-૧૧ના ઓનલાઇન અને તા.રપ-૧૧ સુધીમાં ફિઝીકલ સબમીશન થશે. એટલે કે આ કામ નકકી થાય અને સ્ટે.કમીટીમાં દરખાસ્ત મંજૂર થાય તો દિવાળી બાદ જુના રાજકોટના વિસ્તારો ડામરથી મઢી શકાશે.
સેન્ટ્રલ ઝોનના એટલે કે જુના રાજકોટના છ વોર્ડમાં દિવાળી બાદ જુદા જુદા મેઇન રોડ, શેરીઓ, સોસાયટી સહિતના રસ્તા ડામર કાર્પેટ, રી-કાર્પેટ તથા ડિઝાઇન રોડ બનાવવા માટે ૪પ.૭૬ કરોડના ટેન્ડર આજે બાંધકામ શાખાએ બહાર પાડયા છે. છ વર્ષ પહેલા રાજકોટ મહાપાલિકાની હદમાં ભળેલા વોર્ડ નં.૩ના માધાપર સહિતના નવા અને જુના વિસ્તારોમાં આ નવા ડામર કામ થવાના છે, જેમાં ડામરના ભાવોમાં થતી વધઘટની શરતે સ્ટાર રેટની જોગવાઇ રાખવામાં આવી છે. છતાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડામર રોડ મોંઘા થાય તેવું લાગી રહ્યું છે.
જુના રાજકોટના જુદા જુદા વિસ્તારો ઉપરાંત માધાપર વિસ્તારમાં મોટા ડામર રોડ કરવાના છે. અગાઉ એકશન પ્લાન હેઠળના ટેન્ડરમાં ૬ર ટકા જેટલી ઓન આવતા આ કામ હજુ અપાયું નથી ત્યારે નવા કામ માટે ટેન્ડર પ્રસિધ્ધ થયા છે.
મધ્ય રાજકોટમાં પાણીની ડીઆઇ પાઇપલાઇન માટે મોટા પ્રમાણમાં ખોદકામ થયા છે. આથી તેના પર ડામરનું મોટુ કામ કરવાનું થાય છે. ગત ચોમાસામાં સેન્ટ્રલ ઝોનમાં આ ખોદકામના કારણે રસ્તાઓ ભાંગતા તંત્ર દ્વારા પેચવર્ક કરીને કામચલાઉ રિપેરિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ વાહનોની અવરજવર અને ભારે વરસાદને કારણે ફરી ખાડા પડી ગયા હતા. હવે તંત્ર દ્વારા નવેસરથી પેવર કરવાનો નિર્ણય લેવાયો છે. સેન્ટ્રલ ઝોનમાં મુખ્યત્વે શહેરની જૂની બજારો અને ગીચ વિસ્તારો આવેલા છે, જ્યાં રોજ હજારો લોકોની અવરજવર રહે છે.
છેલ્લી સામાન્ય સભામાં કોર્પોરેટરોએ ભંગાર રસ્તાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ બાદ ટેન્ડર બહાર પડયા છે. ડામર કામનો કોન્ટ્રાકટ અપાય, ખાતમુહૂર્ત થાય તે સાથે સમયે કામ પુરૂ પણ થાય તેવી કોર્પોરેટરોએ માંગણી કરી હોય,
નવા કોન્ટ્રાકટમાં એજન્સીને કડક તાકીદ કરવામાં આવે તેવી શકયતા છે. છેલ્લા દોઢ વર્ષમાં સેન્ટ્રલ ઝોનમાં પીવાના પાણી માટેની ડી.આઇ.લાઇન અને ડ્રેનેજની પાઈપલાઈન માટે ખોદકામ કરવામાં આવ્યું હતું.
ખોદકામ બાદ રસ્તાઓનું યોગ્ય રિપેરિંગ ન થતાં લોકોને ધૂળ અને ટ્રાફિકની ભારે હાલાકી ભોગવવી પડતી હતી. હવે નવા રોડ બનતા લોકોને મોટી રાહત મળશે.જોકે ડામરના હવે મોંઘા ભાવ, હજુ અનિશ્ચિત સંજોગો વચ્ચે ગત વર્ષની સરખામણીએ ડામર કામ કેટલા મોંઘા પડે છે તે જોવાનું રહેશે. સેન્ટ્રલ બાદ ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં પણ ડામર કામના ટેન્ડર બહાર પાડવા તૈયારી થઇ છે.
કયાં થશે ડામર કામઃમાધાપર, યાજ્ઞિક રોડ, દસ્તુર માર્ગ, સરદારનગર મેઈન રોડ, ટાગોર માર્ગ, રેસકોર્સ રિંગ રોડ, રૈયા રોડ, એરપોર્ટ રોડ, જામનગર રોડ, રેલવે જંક્શન સ્ટેશન રોડ, લોહાણા પરા મેઈન રોડ, મોચી બજાર મેઈન રોડ, પરા બજાર, દાણાપીઠ, ઢેબર રોડ, ગોંડલ રોડ, લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ભૂપેન્દ્ર રોડ, સોની બજાર, પેલેસ રોડ, કેનાલ રોડ, ૮૦ ફૂટ રોડ, જૂનો પારડી રોડ, અટીકા ઢેબર રોડ સાઉથ, કોઠારીયા રોડ અને હરિ ધવા માર્ગ સહિતના વિસ્તારો.

