કોર્ટે જણાવ્યું કે, પુખ્ત વયના લોકો વચ્ચે પરસ્પર સંમતિથી બનેલા સંબંધ તૂટ્યા પછી તેને અપરાધ ગણી શકાય નહીં
New Delhi તા.૩૦
બ્રેકઅપ બાદ દુષ્કર્મોના આરોપો પર Supreme Court એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કાયદો બનાવનારાઓનો ક્યારેય એવો ઈરાદો નહોતો કે પરસ્પર પ્રેમ અને સંમતિથી બનેલા સંબંધમાં પુખ્ત વયના લોકો વચ્ચે થયેલા યૌન સંબંધોને માત્ર સંબંધ તૂટ્યા પછી અપરાધ બનાવી દેવામાં આવે. જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે લગ્નના જૂઠા વાયદા કરીને દુષ્કર્મ કરવાના આરોપ સાથે જોડાયેલા એક કેસમાં આરોપીને આરોપોમાંથી મુક્ત કરતાં આ મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે તાજેતરના વર્ષોમાં સામે આવેલા એક એવા ચિંતાજનક ટ્રેન્ડ પર ધ્યાન દોર્યું, જેમાં પરસ્પર સંમતિથી બનેલા સંબંધના અંત આવ્યા પછી જૂના સંબંધોની ફરીથી તપાસ કરવામાં આવે છે, જેથી પછીથી તેને યૌન હિંસા અથવા યૌન ઉત્પીડન તરીકે રજૂ કરી શકાય. કોર્ટે કહ્યું કે, શરૂઆતથી જ છલ અને જૂઠાણાના આધારે સંમતિ મેળવવાની સ્થિતિ અલગ છે. પરંતુ સંબંધ પૂરો થયા પછી પહેલાં બનાવેલા યૌન સંબંધોને લઈને પસ્તાવો થવો અલગ બાબત છે. બેન્ચે સ્પષ્ટ કર્યું કે સંબંધ પાછળથી ખતમ થઈ જવાના કારણે પહેલાં સંમતિથી બનેલા સંબંધોને અપરાધ ન ગણી શકાય. આમ કરવાથી કોઈ વ્યક્તિની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠા પ્રભાવિત થઈ શકે છે.
અદાલતે કહ્યું કે આ પ્રકારનો દૃષ્ટિકોણ પુરુષોને પોતાના નિર્ણયો લેવાના અધિકારથી સંપૂર્ણપણે વંચિત કરી દે છે. જો કોઈ વ્યક્તિને એવો ડર હોય કે સંબંધ ખતમ કર્યા પછી તેના પર દુષ્કર્મનો આરોપ લગાવી શકાય છે, તો તે માત્ર આ જ ભયના કારણે સંબંધમાં બંધાયેલો રહી શકે છે. બેન્ચે સવાલ કર્યો કે શું પુરુષોને બ્રેકઅપનો અધિકાર નથી? શું તેના બ્રેકઅપના આ નિર્ણયને છલ અથવા ધોકાધડી કહી શકાય? અદાલતે સ્પષ્ટ કર્યું કે એવું ન કહી શકાય.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યાં સુધી પરસ્પર સંમતિથી બનેલો સંબંધ કાયમ છે, તે દરમિયાન બનેલા યૌન સંબંધોને માત્ર એટલા માટે પાછલી તારીખથી દુષ્કર્મ ન કહી શકાય, કારણ કે પાછળથી સંબંધ બગડી ગયો અને સમાપ્ત થઈ ગયો. બેન્ચે કહ્યું કે અમે વારંવાર એવા કેસો જોયા છે, જેમાં નિષ્ફળ સંબંધોને અપરાધિક કેસમાં બદલી દેવામાં આવે છે. દુષ્કર્મ એક ગંભીર અપરાધ છે અને તેનો ઉપયોગ વાસ્તવિક યૌન હિંસા, બળજબરી અથવા સંમતિ સાથેના છલ-કપટ સાથે જોડાયેલા મામલાઓમાં થવો જોઈએ. દરેક તૂટેલા સંમતિ-આધારિત સંબંધને દુષ્કર્મના આરોપમાં બદલવાથી આ ગંભીર અપરાધની પ્રકૃતિ અને તેનું મહત્ત્વ નબળું પડે છે.
જોકે, સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે દુષ્કર્મ મહિલાઓની શારીરિક સ્વાયત્તતા અને ગરિમા પર ગંભીર હુમલો છે. અદાલતે સ્વીકાર્યું કે દુષ્કર્મના કેસ આજે પણ મોટી સંખ્યામાં નોંધાઈ શકતા નથી. ઘણી પીડિતાઓ પોતાની અને પોતાના પરિવારની પ્રતિષ્ઠાના કારણે ચૂપ રહેવાનું બેટર સમજે છે. એટલા માટે, જ્યાં તથ્યોથી યૌન હિંસા અને હુમલાનો સ્પષ્ટ સંકેત મળે છે, ત્યાં વાસ્તવિક મામલાઓની ગંભીરતાથી તપાસ અને કેસ ચલાવવો જોઈએ.

