કલાકોની જહેમત બાદ વનવિભાગે ટ્રાન્ક્વિલાઈઝ કરી પાંજરે પૂર્યો
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૩૦ઃ
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં વન્ય પ્રાણી અને માનવ વસાહત વચ્ચેના સંઘર્ષની વધુ એક ઘટના સામે આવી છે. જૂના માલકનેસ ગામ નજીક વહેલી સવારે ગાયનું મારણ કર્યા બાદ ૧થી ૨ વર્ષનો એક સિંહ સીધો રહેણાંક મકાનમાં ઘૂસી જતાં પરિવારજનોમાં ફફડાટ ફેલાયો હતો. ઘરના સભ્યો જાગી જતાં હાકલા-પડકારા કર્યા હતા, પરંતુ સિંહ ઘરની બહાર નીકળવાને બદલે મકાનના ઓરડામાં જઈને છુપાઈ ગયો હતો. વનવિભાગની ટીમે સિંહને ટ્રાન્ક્વિલાઈઝ કરી સુરક્ષિત રીતે પાંજરે પૂર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, જૂના માલકનેસ ગામ નજીક અમરૂભાઈ વરુના રહેણાંક મકાનમાં વહેલી સવારે આ ઘટના બની હતી. ગાયનું મારણ કર્યા બાદ સિંહ મકાનમાં ઘૂસી ગયો હતો. ઘરના સભ્યોની નજર સિંહ પર પડતાં જ તેમણે હાકલા-પડકારા કરી તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સિંહ ઓરડામાં છુપાઈ જતાં પરિવાર જનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
સિંહ બહાર નીકળવા માટે કલાકો સુધી રાહ જોવા છતાં સિંહ બહાર ન આવતાં આખરે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વનવિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વનવિભાગની ટીમે સિંહને ટ્રાન્ક્વિલાઈઝ કરી સુરક્ષિત રીતે પાંજરે પૂર્યો હતો.
સિંહ પાંજરે પુરાતાં પરિવારજનો સહિત સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યારબાદ સિંહને વધુ દેખરેખ અને સારવાર માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. રહેણાંક મકાનમાં જ સિંહ ઘૂસી જવાની આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.

