સાધના કોલોનીમાં રૂપિયાના સિક્કા ઉછાળીને કાટીછાપનો જુગાર રમાતો હતો ૨.૯૨ લાખનો મુદ્દામાલ કબજે
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૪ઃ
Jamnagar શહેર અને જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી ત્રણ અલગ અલગ સ્થળે દરોડા પાડી કુલ ૧૯ શખસોને ઝડપી લીધા છે, જ્યારે છ શખસો ફરાર થઈ ગયા છે. ત્રણેય દરોડામાં રોકડ રકમ, મોબાઈલ ફોન, મોટરસાઇકલ સહિત કુલ રૂ. ૩,૩૪,૩૨૨નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રથમ દરોડામાં જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાધના કોલોનીમાં બ્લોક નંબર એમ-૫૧ની બાજુની શેરીમાં દરોડો પાડ્યો હતો. અહીં જાહેરમાં રૂપિયાના સિક્કા ઉછાળીને કાટીછાપ નામનો પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે દરોડા દરમિયાન અનિલભાઈ સોમાભાઈ ચાવડા, રહીમભાઈ ઉર્ફે નંઢો ઇબ્રાહીમભાઈ ખીરા સુમરા, યુનુસભાઈ ઇબ્રાહીમભાઈ ખીરા સુમરા, સુનીલભાઈ ફેરૂમલભાઈ નાગદેવ, અશોકભાઈ ઉર્ફે મીર્ચી ખટાઉમલ મંગે, નાજીરભાઈ ઉર્ફે નાજલો નુરમામદ ધોધા અને આફ્રીદી મહેબૂબભાઈ દરજાદાની ધરપકડ કરી હતી.જ્યારે અનુ બાપુ, ઉમર હાજી ખફી, હિતેશ ઉર્ફે સાકીરો સોમાભાઈ ચાવડા, લાલાભાઈ, ઇકુભાઈ અને બસીરભાઈ સહિત છ શખસો નાસી છૂટ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૫૨,૦૦૦, આઠ મોબાઈલ ફોનની કિંમત રૂ. ૪૦,૦૦૦, બે રૂપિયાના બે સિક્કા અને ચાર મોટરસાઇકલની કિંમત રૂ. ૨ લાખ મળી કુલ રૂ. ૨,૯૨,૦૦૨નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બીજા બનાવમાં ગોકુલનગરમાં શાયોનાવારી શેરીમાં અજીત વિદ્યાલયની બાજુની શેરીમાં એલસીબીની ટીમે દરોડો પાડી તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતા.nપોલીસે યોગરાજસિંહ જીતુભા ગોહિલ, હિતેશભાઈ હરેશભાઈ અગેસણીયા, દિલીપભાઈ બચુભાઈ મકવાણા, વજશીભાઈ અરજણભાઈ ગોજીયા અને સુરેશભાઈ કલ્યાણજીભાઈ અનુવાડિયાને ઝડપી લીધા હતા. આ દરોડામાં રોકડા રૂ. ૨૦,૫૦૦, ગંજીપત્તાનાં ૫૨ પાનાં અને ત્રણ મોબાઈલ ફોનની કિંમત રૂ. ૧૦,૫૦૦ મળી કુલ રૂ. ૩૧,૦૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ત્રીજા બનાવમાં જામજોધપુર પોલીસની ટીમે ગૌશાળા સામે વડલાના ઝાડના ઓટા પાસે જાહેરમાં દરોડો પાડ્યો હતો. અહીં ગંજીપત્તાનાં પાનાં વડે તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમતા સાત શખસોને ઝડપી લેવામાં આવ્યા હતા.પોલીસે મહેન્દ્રભાઈ ઉર્ફે ચનીભાઈ છગનભાઈ ચનીયારા, સુરેશભાઈ કારાભાઈ જોષી, લલિતભાઈ મનસુખભાઈ પરમાર, ભરતભાઈ મગનભાઈ સોલંકી, રોહિતભાઈ બુદ્ધગરભાઈ મેઘનાથી, દેવરાજભાઈ ભીખાભાઈ કટારા અને અલ્લારખા ફકરૂદીનભાઈ મનસુરીને ઝડપી લીધા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૧૧,૪૫૦ અને ગંજીપત્તાનાં ૫૨ પાનાં કબજે કર્યા હતા. આ દરોડામાં કુલ રૂ. ૧૧,૪૫૦નો મુદ્દામાલ કબજે થયો હતો. આમ, જામનગર એલસીબીના બે અને જામજોધપુર પોલીસના એક મળી ત્રણ દરોડામાં કુલ ૧૯ શખસો ઝડપાયા છે અને છ ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

