New Delhi,તા.૧૯
દિલ્હીનાં ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટના અતિ-સુરક્ષિત ટર્મિનલ-3માં બુધવારે માન્ય મુસાફરી દસ્તાવેજો વિના બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલાં એક શખ્સને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો. આ ઘટના બપોરે 3 વાગ્યાની આસપાસ ટર્મિનલના ડિપાર્ચર ગેટ પર બની હતી, જ્યાં સુરક્ષાકર્મીઓએ હરિયાણાના રહેવાસી યુવકને અટકાવીને પૂછપરછ માટે દિલ્હી પોલીસને સોંપી દીધો હતો.
CISF દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ ઘટનાનો 25 સેક્ધડનો વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં આ શખ્સ સુરક્ષાકર્મીઓને ધક્કો મારીને ટર્મિનલની અંદર ઘૂસવાનો પ્રયાસ કરતો દેખાય છે. વીડિયોમાં એક CISF જવાન તેને રોકવાનો પ્રયાસ કરે છે, જોકે તે થોડા મીટર અંદર જવામાં સફળ રહે છે, પરંતુ તરત જ અન્ય સશસ્ત્ર જવાન અને ક્વિક રિએક્શન ટીમ (QRT) ઘટનાસ્થળે દોડી આવે છે અને ગણતરીની સેક્ધડોમાં તેને દબોચી લે છે.
CISFએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જવાનોએ અસાધારણ સતર્કતા અને ત્વરિત પ્રતિભાવ દાખવીને અનધિકૃત પ્રવેશના પ્રયાસને રોકી સંભવિત સુરક્ષા ચૂક ટાળી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ શખ્સના બેગમાંથી કેટલાક ઓળખપત્રો અને શૈક્ષણિક પ્રમાણપત્રો મળી આવ્યા હતા.
એરપોર્ટના સુરક્ષા નિયમો મુજબ, ટર્મિનલમાં પ્રવેશતા પહેલા મુસાફરોએ માન્ય મુસાફરી દસ્તાવેજો અને ઓળખનો પુરાવો બતાવવો ફરજિયાત છે, જ્યારે એરપોર્ટ કર્મચારીઓએ પણ પોતાનું ઓળખ કાર્ડ બતાવવું જરૂરી હોય છે.

