New Delhi,તા.૧૯
દેશમાં કયુઆરકોડ આધારિત યુપીઆઈ પેમેન્ટ સીસ્ટમમાં પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાએ મર્ચન્ટ બેન્કીંગ ચાર્જ (એમડીઆર) લગાવવા જ જાહેરાત કરી છે તેનો અમલ વધુ એક વખત મુલત્વી રહે તેવી ધારણા છે.
રૂા.2000થી વધુના વ્યવહારો તથા આ ચાર્જ ફકત વ્યાપારીથી વ્યાપારીના પેમેન્ટ માટે એટલે કે સામાન્ય ઉદ્યોગકારોને ચાર્જ ભરવો પડશે નહી. તેવી તમામ જાહેરાતો થઈ હતી અને તા.15 ઓકટોબરથી તે લાગુ થવાનુ હતુ પણ દેશભરમાં વ્યાપક વિરોધ તથા દિપાવલીના તહેવારોના સમયે આ પ્રકારના ચાર્જથી વ્યવહારો ખોરવાશે તેવા ભયના કારણે તેનો અમલ દિવાળી પછી કરવા નિર્ણય લેવાયો હતો પણ હવે આગામી વર્ષના પ્રારંભે ઉતરપ્રદેશ સહિત પાંચ રાજયોની ધારાસભા ચુંટણીઓ આવી રહી છે
તેને ધ્યાનમાં રાખીને વધુ એક વખત એમડીઆરનો અમલ મુલત્વી રહી શકે છે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ વ્યાપારી સંગઠનોએ આ પ્રકારના ચાર્જનો વિરોધ કર્યો છે અને અગાઉ તા.2 ઓકટોબરના દેશભરમાં નો-યુપીઆઈ ડે મનાવીને આ પેમેન્ટ સીસ્ટમ એક દિવસ બંધ રાખી હતી. જો કે સરકાર અનેક વખત સ્પષ્ટ કરી ચુકી છે કે આ નવા એમડીઆરમાં લોકો પર કોઈ ચાર્જ લાગશે નહી પણ વાસ્તવિકતા એ છે કે વ્યાપારી જે આ ચાર્જ ભરશે તે લોકો પાસેથી જ વસુલશે અને તેના કારણે આ સીસ્ટમનો ઉપયોગ ઘટશે તથા લોકો ફરી રોકડ વ્યવહારો પર જશે.
સરકાર ઉતરપ્રદેશ-પંજાબ જેવા મહત્વના રાજયોની ધારાસભા ચુંટણી સમયે કોઈ નવા મુદા ઉભા થાય તે સ્વીકારશે નહી. જો કે 2027માં પુરુ વર્ષ ચુંટણીનું વર્ષ બની રહેનાર છે તેથી સરકાર કયાં સુધી આ પ્રકારે ચાર્જ મુલત્વી રાખી શકે છે તે પણ પ્રશ્ન છે પણ કમસેકમ એપ્રિલ 2027 સુધી મુલત્વી રહી શકે છે.
વ્યાપારીથી વ્યાપારી MDR ફિકસ રૂા.5 જ રખાશે!
પહેલા ચાર્જ સ્વીકાર્ય બનાવવાનો વ્યુહ
યુપીઆઈએ 0.40% સુધી મર્ચન્ટ બેન્કર રેટ (એમડીઆર) લગાવવાના નિર્ણય પર વ્યાપારી આલમમાં જબરો વિરોધ છે. ખાસ કરીને વ્યવહારની રકમ મુજબ આ ચાર્જ રૂા.300 સુધી જઈ શકે છે પણ વ્યાપારી આલમ તેનો વિરોધ કરશે જેથી સરકાર મર્ચન્ટ ટુ મર્ચન્ટ અથવા તો બીઝનેસ-ટુ-બીઝનેસ વ્યવહારોમાં મહતમ રૂા.5નો ફીકસ ચાર્જ વસુલવાની દરખાસ્ત પર વિચારણા કરી રહી છે.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા માને છે કે સીસ્ટમને ટકાવી રાખવા ચાર્જ જરૂરી છે પણ મહત્વનું એ છે કે આ ચાર્જ સ્વીકાર્ય બનવા જોઈએ તેથી હોલસેલથી રીટેલરમાં જે રીતે સ્લેબ મુજબ રૂા.300 સુધી ચાર્જ જઈ શકે છે તેના બદલે હાલ રૂા.5નો ફીકસ ચાર્જ વસુલી સરકાર તેને સ્વીકાર્ય બનાવવા કોશીશ કરશે.

