Mumbai તા.20
વર્ષના પ્રારંભે અસામાન્ય અને રેકોર્ડબ્રેક તેજી સુચવનાર સોના-ચાંદીમાં હવે પ્રચંડ કડાકાનો દોર રહ્યો છે. 1980 જેવી આ મંદીથી બુલીયન બજારમાં હાહાકાર સર્જાયો છે. આજે પણ ભાવ વધુ પટકાયા હતા.
ઉઘડતી બજારે જ સોનામાં તથા ચાંદીમાં 8700 નો કડાકો સર્જાયો હતો સોનું સવા લાખ તથા ચાંદી દોઢ લાખની નીચે સરકી હતી. વિશ્વ બજારમાં સોનુ-ચાંદી સતત ગગડતા રહ્યા છે અને તેની પાછળ ભારતીય માર્કેટ પણ સતત પટકાતું રહ્યું છે. 1980 જેવી મહામંદીની સ્થિતિ સર્જાય છે.
1980 માં ચાંદીની કિમત ઉચ્ચતમ સ્તરથી 80 ટકા ઘટી ગઈ હતી અને ત્યારે પણ મોટો હાહાકાર સર્જાયો હતો.મંદીના પ્રવર્તમાન દોરમાં ચાંદી માત્ર 10 દિવસમાં 35000 ઘટી છે. સોનાના ભાવમાં આ દરમ્યાન 17000 નો કડાકો સર્જાયો છે.
સોના-ચાંદી ઉપરાંત પ્લેટીનમ તથા બીટકોઈન પણ ઉંધા માથે પટકાયા હતા. સોનામાં 13 મહિના તથા ચાંદીમાં 14 મહિનાનું નીચલુ સ્તર જોવા મળ્યુ છે. આજે વિશ્વબજારમાં સોનાનો ભાવ ફરી 90 ડોલરથી વધુ ગગડયો હતો અને 3572 ડોલર હતુ. લોકલ વાયદામાં 5100 રૂપિયાના કડાકાથી 122340 હતું આજ રીતે ચાંદીનો ભાવ વાયદામાં 8750 ના કડાકાથી 148725 થયો હતો.
વેપારીઓએ કહ્યું કે કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો સતત મજબુત થઈ રહ્યો છે. આજે 19 પૈસા વધીને 93.11 થયો હતો. તેને કારરે પણ આયાત પડતર નીચી આવવાનું અને ભાવ ઘટવાનું સ્પષ્ટ છે.
સોના-ચાંદીના વર્તમાન કડાકા પાછળ મુખ્યત્વે ત્રણ કારણોને જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે તેમાં અમેરિકી ડોલરની મજબુતી અમેરિકી વ્યાજદર વધવાની આશંકા તથા બોન્ડ પીલ્ડમાં ઉછાળો સામેલ છે.
વેપારીઓએ એમ કહ્યું કે એકધારી મંદી વચ્ચે સપ્લાયમાં મોટો વિક્ષેપ છે.માર્કેટમાં સપ્લાય ટાઈટ છે. તેજી બજારો સામાન્ય લોકો મોટા પ્રમાણમાં જુનુ સોનું વેચતા હતા અને માલ માર્કેટમાં ઠલવાતો હતો આ જુનો માલ આવતો અટકયો છે. આ સિવાય કસ્ટમ ટેરિફમાં ફેરફારની ટેકનીકલ સમસ્યાને કારણે આયાતી માલ વેપારીઓ સુધી પહોંચ્યો નથી તેની પણ અસર છે.

