Peru, તા.21
પેરુમાં ફરી એક વખત ભીષણ ભૂકંપ આવ્યો હતો મધ્ય પેરુમાં આવેલા આ શક્તિશાળી ભૂકંપની તીવ્રતા 6.8 માપવામાં આવી છે અને તેનું કેન્દ્ર બિંદુ એન્ડીઝ વિસ્તારના જૂનિનમાં જમીનથી આશરે 129 કિલોમીટર ઊંડાઈએ હતું.
ભૂકંપની ઝાટકા છેક રાજધાની લીમા સુધી અનુભવાયા હતા અને લોકો ભારે દહેશત વચ્ચે ઘરની બહાર નિકળી ગયા હતા. બીજીબાજુ જર્મનીના રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સિસે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપી છે.
આ ભૂકંપનો અનુભવ થવાને લીધે રાજધાની લીમામાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળતો હતો. ભૂકંપના ઝાટકા એટલા તેજ હતા કે દેશની સંસદ ભવન એટલે કે કોંગ્રેસ બિલ્ડિંગમાંથી સાંસદો બહાર નિકળી ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, પેરુ એ પ્રશાંત મહાસાગર આજુબાજુ આવેલ લાંબી જ્વાળામુખી અને ફોલ્ટ લાઈન વિસ્તાર હેઠળ આવે છે અને પેરુનો વિસ્તાર રિંગ ઓફ ફાયર તરીકે પણ ઓળખવામાં આવતો હોવાથી સતત ભૂકંપના આંકડા અનુભવાતા હોય છે.

