New Delhi.તા.21
બજાર નિયામક સેબી (SEBI)ના ચેરમેન તુહિન કાંત પાંડેયે અનુમાન વ્યક્ત કર્યું છે કે આગામી સમયમાં શેરબજારમાં 2,000 નવી કંપનીઓ લિસ્ટ થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે જો ઉદ્યોગ સંગઠનો નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME)ની ઓળખ કરીને તેમને વધુ સારો વિકાસ અપાવે, તો આવનારા સમયમાં શેરબજારમાં 2,000થી પણ વધુ IPO આવી શકે છે. તેનાથી બજારમાં લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 5,000ની નજીક પહોંચી જશે.
ઉદ્યોગ સંગઠન CIIના એક કાર્યક્રમમાં સેબી પ્રમુખે કહ્યું કે સંગઠનોએ નાના અને મધ્યમ ઉદ્યોગોને સારો વિકાસલક્ષી માહોલ આપવા માટે તેમની ઓળખ કરી તેમને લિસ્ટિંગ માટે તૈયાર કરવા પડશે. આ માટે ક્લસ્ટર બનાવીને એવી કંપનીઓને શોધવી પડશે, જેમાં આગળ વધવાની ક્ષમતા છે.
અમાં માનવું છે કે, આગામી કેટલાક વર્ષોમાં લગભગ 2,000 કંપનીઓ બજારમાં લિસ્ટ થઈ શકે છે, જે મુખ્યત્વે MSME ક્ષેત્રમાંથી આવશે. તેમાં ઇક્વિટી અને ડેટ બંને વિકલ્પો દ્વારા કંપનીઓને બજારમાં પ્રવેશવાની તક આપવામાં આવશે.
સેબી પ્રમુખે કહ્યું કે બજારમાં જેટલી વધુ કંપનીઓ આવશે, તેમની જવાબદારી અને નિયમોના પાલનની જવાબદેહી પણ એટલી જ વધશે. મૂડીબજારમાં આવતી કંપનીઓએ રોકાણકારોના ભંડોળનો વધુ પારદર્શક અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને ગવર્નન્સ પર ખાસ ધ્યાન આપવું પડશે.
તેમણે ઉમેર્યું કે સેબીના બોર્ડમાં રોજેરોજ અનેક મુદ્દાઓ પર નિર્ણયો લેવાય છે અને દરેક બાબત નોંધી શકાતી નથી, તેના બદલે બોર્ડની સ્વતંત્રતા અને સ્વાયત્તતા જળવાઈ રહે તે વધારે મહત્વનું છે.
સેબીએ પ્રી-IPO શેર ટ્રેડિંગ માટે માળખું તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે, જોકે તે હજુ અંતિમ નથી. આ માળખું તૈયાર થયા બાદ યોગ્ય કંપનીઓને અરજી કરવામાં સરળતા રહેશે. તુહિન કાંત પાંડેયે કહ્યું કે અમે આ માળખા પર કામ કરી રહ્યા છીએ, પરંતુ પ્રી-IPO સ્તરે તે ક્યાં અને કેવી રીતે કામ કરશે તથા કયા તબક્કે શરૂ થશે, તે અંગેના જવાબો હજુ નક્કી થયા નથી. આ અંગેની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
સેબી પ્રમુખે માહિતી આપી હતી કે SME IPOનું માળખું તૈયાર કરવા માટે ક્નસલ્ટેશન પેપર (પરામર્શ પત્ર) અગાઉથી જ પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ છે અને તેના પર સંબંધિત હિતધારકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે.
હિતધારકોનો પ્રતિસાદ મળ્યા બાદ સેબી તેમાંથી કેટલાક સૂચનો પસંદ કરશે. આ માળખામાં IPO, પબ્લિક ઓફર, પ્રેફરેનિ્શયલ ઇશ્યૂ અને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) જેવા વિકલ્પોનો સમાવેશ કરાયો છે. આ દરખાસ્ત શેરબજારમાં આવનારા વ્યાપક ફેરફારોનો ભાગ હશે, જેમાં વિદેશી રોકાણકારો માટેના નિયમોમાં પણ ફેરફારની વાત સામેલ છે.

