Gandhinagar, તા.21
ગુજરાતમાં વાહનોની સંખ્યામાં ધરખમ વધારો થઈ જ રહ્યો છે. ખાસ કરીને જુના વાહનોમાં વ્યાપક પ્રમાણમાં નિયમભંગ થયા છે ત્યારે ગુજરાત સરકારે વાહનોના દસ્તાવેજોની ચકાસણી માટે ટોલ-પ્લાઝા પર ઈ-ડીરેકશન સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. પીયુસી, વીમો અથવા માન્ય રજીસ્ટ્રેશન ન હોય તેવા વાહનોને ઈ-ચલણ ફટકારવામાં આવશે.
સરકાર દ્વારા સતાવાર રીતે એમ કહેવામાં આવ્યું છે કે કોમર્શીયલની સાથે અન્ય ખાનગી વાહનોના દસ્તાવેજો પણ ટોલ પ્લાઝા પર ઈ-ડીટેકશન સિસ્ટમથી ચકાસાશે અને માન્ય દસ્તાવેજ નહિં હોય તો દંડાત્મક કાર્યવાહી થશે.
ગુજરાત રાજ્યમાં માર્ગ સલામતી અને વાહન વ્યવહારના નિયમોના અસરકારક અમલીકરણના હેતુથી હવે ખાનગી વાહનોમાં પણ ઈ-ડિટેક્શન સિસ્ટમ દ્વારા વાહનોનાં જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
અત્યાર સુધી રાજ્યમાં હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા પર ઈ-ડિટેક્શન સિસ્ટમ મારફતે મુખ્યત્વે કોમર્શિયલ વાહનો જેવા કે ટ્રક, બસ અને માલવાહક વાહનોનાં દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતી હતી. હવે આ વ્યવસ્થાનો વ્યાપ વધારી ખાનગી વાહનોને પણ તેમાં આવરી લેવામાં આવશે.
ઈ-ડિટેક્શન સિસ્ટમ અંતર્ગત હાઈવે પરથી પસાર થતાં વાહનોની નંબર પ્લેટ ટોલ પ્લાઝા પર લગાવવામાં આવેલા કેમેરા દ્વારા સ્કેન કરવામાં આવશે. ત્યારબાદ સિસ્ટમ મારફતે વાહનના જરૂરી દસ્તાવેજોની માન્યતા અને તેની સમયમર્યાદાની ચકાસણી કરવામાં આવશે.
વાહનચાલકોએ ત્રણ દસ્તાવેજો અપડેટ રાખવા જરૂરી છે. ઈ-ડિટેક્શન સિસ્ટમની અમલવારીને ધ્યાનમાં રાખીને તમામ ખાનગી વાહનચાલકોએ પોતાના વાહનના વાહનનું પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર માન્ય હોવું જોઈએ.વાહનનો વીમો અને વાહનનું રજિસ્ટ્રેશન જેવા દસ્તાવેજો અપડેટ રાખવા સુચવ્યું છે.
ઈ-ડિટેક્શન સિસ્ટમ દ્વારા વાહનના દસ્તાવેજોની ચકાસણી દરમિયાન કોઈ જરૂરી દસ્તાવેજની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય અથવા તે માન્ય નહી હોય તો સંબંધિત વાહનચાલકને નિયમો મુજબ ઈ-ચલણ મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે.
તમામ ખાનગી વાહનચાલકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના વાહનના જરૂરી દસ્તાવેજોની સમયમર્યાદા અગાઉથી તપાસી લે અને સમયસર તેનું નવીનીકરણ કરાવે, જેથી હાઈવે પર મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલી કે ઈ-ચલણની કાર્યવાહીનો સામનો કરવો ન પડે.
વાહનના તમામ જરૂરી દસ્તાવેજો અદ્યતન રાખવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત રીતે વાહન ચલાવવા વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે.

