Christchurch, તા.૨૭
ભારતીય ક્રિકેટના યુવા સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ અનોખી સિદ્ધિ પોતાના નામે કરી છે.
તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆતની ૩૩ મેચ ૩૩ અલગ-અલગ મેદાનો પર રમીને ૩૨ વર્ષ જૂના વિશ્વવિક્રમની બરાબરી કરી છે. આ સાથે તેણે આ વિશેષ રેકોર્ડના મામલે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધા છે.
યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી રમેલી પોતાની તમામ ૩૩ ટેસ્ટ મેચ અલગ-અલગ ક્રિકેટ સ્ટેડિયમમાં રમી છે. એટલે કે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં તે અત્યાર સુધી કોઈ એક મેદાન પર બીજી વખત ટેસ્ટ મેચ રમ્યો નથી. આ અનોખી સિદ્ધિએ તેને વિશ્વ ક્રિકેટના રેકોર્ડ બુકમાં સ્થાન અપાવ્યું છે.
જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેણે દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિતની ટીમો સામે વિવિધ મેદાનો પર ટેસ્ટ મેચો રમી છે. ઘરઆંગણે પણ તેણે અલગ-અલગ શહેરોનાં સ્ટેડિયમમાં પોતાની પ્રતિભા દર્શાવી છે.
યશસ્વી જયસ્વાલે ભારતના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરના ૧૯૯૪ના વિશ્વવિક્રમની બરાબરી કરી છે. માંજરેકરે પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ૩૩ મેચ ૩૩ અલગ-અલગ મેદાનો પર રમી હતી. તેમની ૩૪મી ટેસ્ટ મેચમાં તેઓ અગાઉ રમી ચૂકેલા મેદાન પર ફરી ઉતર્યા હતા.
આ રેકોર્ડની યાદીમાં યશસ્વી જયસ્વાલે સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધા છે. સચિને પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆતની ૩૨ મેચ અલગ-અલગ મેદાનો પર રમી હતી. ત્યારબાદ ૧૯૯૪માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેઓ બીજી વખત ટેસ્ટ રમવા ઉતર્યા હતા.
સૌથી વધુ અલગ-અલગ મેદાનો પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચો
– ૩૩ ટેસ્ટ – સંજય માંજરેકર (ભારત)
– ૩૩ ટેસ્ટ – યશસ્વી જયસ્વાલ (ભારત)
– ૩૨ ટેસ્ટ – સચિન તેંડુલકર (ભારત)
– ૨૪ ટેસ્ટ – જવાગલ શ્રીનાથ (ભારત)
– ૨૪ ટેસ્ટ – દિનેશ રામદીન (વેસ્ટ ઈન્ડિઝ)
યશસ્વી જયસ્વાલની આ સિદ્ધિ તેની અત્યાર સુધીની ટેસ્ટ કારકિર્દીની અનોખી ઉપલબ્ધિ છે. હવે તેની નજર આગામી મેચોમાં આ રેકોર્ડને વધુ આગળ લઈ જવા પર રહેશે.

