New Delhi, તા.6
ખાદ્યચીજોથી માંડીને વિવિધ ચીજોમાં મોંઘવારીથી પિડાતી પ્રજાને મોટી રાહત મળી શકે છે. ક્રૂડતેલનો વૈશ્વિક ભાવ ઘટીને 50 ડોલર થવાની અને તેના આધારે ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડા સાથે મોંઘવારીમાં રાહત મળવાનું સ્ટેટ બેંકના રિસર્ચ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે.
હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રન્ટ ક્રૂડ 1.01 ડોલર વધીને 61.76 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું છે. બીજી તરફ, WTI ક્રૂડ સામાન્ય ઘટાડા સાથે 58.29 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. જોકે, એસબીઆઈ રિસર્ચનો અહેવાલ સૂચવે છે કે આગામી સમયમાં આ કિંમતોમાં મોટો ઘટાડો આવશે.
SBI રિસર્ચ ટીમે તેમના અહેવાલમાં આર્થિક પાસાઓનું વિશ્લેષણ કરતા જણાવ્યું છે કે, બ્રન્્ટ ક્રૂડ અને ઇન્ડિયન બાસ્કેટ વચ્ચે 0.98નો મજબૂત સંબંધ છે, જેનો અર્થ એ થાય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રન્ટ ક્રૂડના ભાવ ઘટતા જ ભારત માટે ક્રૂડ ઓઈલ સસ્તું થઈ જશે.
આ ઘટાડો માત્ર ઈંધણ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ તેલના ભાવમાં રાહત મળવાથી એકંદર મોંઘવારીમાં પણ ઘટાડો થશે, જે આર્થિક વિકાસને નવી ગતિ આપશે. તેમજ ટેકનિકલ અને એનાલિસિસ પણ આ જ દિશામાં સંકેત આપે છે.
ભારતીય ક્રૂડ ઓઈલની વર્તમાન કિંમતો 50 અને 200 દિવસની મૂવિંગ એવરેજથી નીચે ચાલી રહી છે, જે સ્પષ્ટપણે સૂચવે છે કે ભવિષ્યમાં ઓઈલના ભાવમાં હજુ પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લે માર્ચ 2024માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી કિંમતો સ્થિર છે. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ રૂ.94.77 અને ડીઝલ રૂ.87.67 પ્રતિ લિટર મળી રહ્યું છે. તેમજ ગુજરાતમાં પેટ્રોલ રૂ.94.63-રૂ.95 પ્રતિ લિટર અને ડીઝલ રૂ.90.30 – રૂ.90.67 પ્રતિ લિટર મળી રહ્યું છે.

