પૈસા નથી આપવા’ તેમ કહી શખ્સે છરી અને ઢીકાપાટુ વડે મહિલાને લમધારી, ગલ્લામાંથી લૂંટ થયાનો આક્ષેપ
Rajkot તા.૨૨ઃ
શહેરના કુબલિયાપરા વિસ્તારમાં પાણીની બોટલના પૈસા માંગવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ ઘટનામાં એક મહિલા અને એક ૯ વર્ષના બાળકને ઈજાઓ પહોંચતા બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મહિલાએ સામા પક્ષ પર ગલ્લામાંથી પૈસા લૂંટી લીધાનો ગંભીર આક્ષેપ કર્યો છે, જ્યારે સામા પક્ષે બાળકને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ કરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કુબલિયાપરા-૫ માં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા શીતલબેન રામજીભાઈ પરમાર (ઉં.વ. ૩૦) બપોરે ૧૨૩૦ વાગ્યાની આસપાસ મરઘી ચોક પાસે આવેલી શીતલ પાન નજીક પોતાની દુકાને હાજર હતા. આ દરમિયાન અરુણ નામનો બાળક તેમની દુકાને પાણીની બોટલ લેવા આવ્યો હતો. શીતલબેને બોટલના પૈસા માંગતા, ત્યાં હાજર ચીનાભાઈએ ’પૈસા નથી આપવા’ તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ચીનાભાઈએ શીતલબેનને છરી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. શીતલબેને એવો પણ સણસણતો આક્ષેપ કર્યો છે કે આ ઝઘડા દરમિયાન સામા પક્ષના લોકોએ તેમના ગલ્લામાંથી રોકડા પૈસાની લૂંટ ચલાવી હતી.
બીજી તરફ, આ જ ઘટનામાં ચંદ્રિકા પાન પાછળ, નવલખી માતાજીના મંદિર પાસે રહેતા વિક્રમભાઈ વીકાણીના ૯ વર્ષના પુત્ર અરુણને પણ ઈજાઓ પહોંચી છે. સામા પક્ષના જણાવ્યા અનુસાર, માસૂમ અરુણ જ્યારે ઘરની બાજુમાં આવેલી દુકાને રમવા માટે ગયો હતો, ત્યારે શીતલબેન અને દીપુ નામના વ્યક્તિએ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી બાળકને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ સામસામે થયેલા હુમલા અને આક્ષેપો અંગે પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધીને હકીકત શું છે તે જાણવા માટે કાયદેસરની તપાસ તેજ કરી છે.

