(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૦
જામનગરથી લાખાબાવળ વચ્ચે રેલવે પાટા પર માલગાડીની આગળ પડતું મૂકી ૪૨ વર્ષના યુવાને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી હતી. બનાવ અંગે પંચ-બી ડિવિઝન પોલીસ મથકમાં બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.
પોલીસમાં જાહેર કરાયેલી વિગતો મુજબ હદુભાઈ રામભાઈ જોગલ (ઉ.વ.૪૨), મૂળ મોવાણ ગામના અને હાલ જામનગરના અયોધ્યાનગર વિસ્તારમાં રહેતા હતા. તેઓ ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા હતા. હદુભાઈની પત્ની અંજુબેન દ્વારા ગામડે આંટો મારવા જવા અંગે વાત કરવામાં આવી હતી. ત્યારે હદુભાઈએ થોડા દિવસ પછી જવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ બોલાચાલી બાદ હદુભાઈને લાગી આવતા વહેલી સવારે પોતાના ઘરનો દરવાજો બહારથી બંધ કરી મોટરસાયકલ લઈને નીકળી ગયા હતા. ત્યારબાદ જામનગરથી લાખાબાવળ વચ્ચે રેલવે પોલ નં.૮૩૪/૨૪-૨૬ પાસે રેલવે પાટા પર માલગાડીની આગળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે પંચ-બી ડિવિઝન પોલીસ મથકના એ.એસ.આઈ. એચ.બી. પાંડવે તપાસ હાથ ધરી છે.

