ગંભીર ગુન્હામાં વૈજ્ઞાનિક પુરાવો રેકર્ડ ઉપર આવેલ હોય ત્યારે બનાવ નજરે જોનાર કોઈ નિષ્પક્ષ સાહેદની જુબાની જરૂરી નથી, સરકાર વકીલ
Rajkot
શહેરના ગંજીવાડા વિસ્તારમાં ચાર વર્ષ પૂર્વે રીક્ષા પાર્ક કરવા મુદ્દે છરી વડે હુમલો કરી બનેવીની હત્યા અને સાળાની હત્યાની કોશિષના ગુનાનો કેસ અદાલતમાં ચાલી જતા જેમાં આરોપી અલ્પેશ ડાભીને હત્યા કેસમાં આજીવન કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.
જ્યારે અન્ય આરોપી મહેશ ડાભીને શંકા નો લાભ આપી છોડી મૂકવા હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ શહેરના ગંજીવાડા વિસ્તારમાં રહેતા અજય ધીરૂભાઈ રાઠોડ અને તેના બનેવી અશોકભાઈ લીંબાભાઈ એંધાણી તા.૩૦-૮-૨૦૨૧નાં રોજ રાત્રીના સમયે પોતાના ઘરે હતાં ત્યારે રીક્ષા પાર્ક કરવા મુદ્દે પાડોશમાં રહેતાં અલ્પેશ સોમજી ડાભી અને મહેશ ડાભી નામના શખ્સે ઝઘડો કરી અજય રાઠોડ અને તેના બનેવી અશોકભાઈ એંધાણી ઉપર છરી વડે હુમલો કર્યો હતો.
જેમાં ગંભીર રીતે ઘવાયેલા અશોકભાઈ એંધાણીનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. જે અંગે પોલીસે અજય ધીરુ રાઠોડની ફરીયાદ પરથી પોલીસે અલ્પેશ સોમજી ડાભી અને મહેશ ડાભી સામે હત્યા અને હત્યાની કોશિષનો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી હતી. બાદ તપાસની દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી ચાલવા ઉપર આવતાં જેમાં બન્ને પક્ષની રજૂઆત બાદ સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, બનાવ સમયે ઘણા માણસો ભેગા થઈ ગયેલ હોય તો પણ ફરીયાદીએ આ બંને આરોપી ભાઇના નામ જ કયા કારણે આપેલ છે તે અંગેનો કોઈ બચાવ આરોપી તરફે લેવામાં આવેલ નથી, આરોપી અલ્પેશ સોમજીભાઈ ડાભીના કપડા પર અને છરી ઉપર મરનારનુ લોહી મળી આવેલ છે ત્યારે આરોપી પક્ષે આ પુરાવાનુ ખંડન કરવા માટે કોઈ જ પ્રયાસ કરેલ નથી.
આ વૈજ્ઞાનિક પુરાવાને આરોપી વિરૂધ્ધનો સચોટ પુરાવો ગણવાનો રહે છે. હત્યા જેવા ગંભીર ગુન્હામાં વૈજ્ઞાનિક પુરાવો રેકર્ડ ઉપર આવેલ હોય ત્યારે બનાવ નજરે જોનાર કોઈ નિષ્પક્ષ સાહેદની જુબાની જરૂરી નથી, સરકાર તરફેની આ તમામ રજુઆતોના અંતે સેશન્સ જજ જે. આર. શાહએ આરોપી અલ્પેશ સોમજી ડાભીને હત્યા કેસમાં આજીવન અને હત્યાની કોશિષના ગુનામાં ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે.જ્યારે આરોપી મહેશ ડાભીને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો છે.ફરીયાદી વતી વકીલ તરીકે ડી. બી. બગડા અને સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા રોકાયેલા હતા.

