Rajkot, તા.14
દેશભરમાં વધતી મોંઘવારી વચ્ચે હવે સામાન્ય લોકો પર વધુ એક આર્થિક બોજો આવવાનો છે. દેશની અગ્રણી ડેરી બ્રાન્ડ અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂ. 2 નો વધારો જાહેર કર્યા બાદ હવે મધર ડેરી એ પણ દૂધના ભાવમાં સમાન વધારો કરવાની જાહેરાત કરી છે. આ નવા ભાવ 14 મે 2026થી સમગ્ર દેશમાં અમલમાં મુકેલ છે.
અમૂલના જણાવ્યા મુજબ દૂધ ઉત્પાદકોના ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વધારો થતાં ભાવ વધારો કરવો અનિવાર્ય બન્યો છે. પશુ આહાર, પેકેજિંગ મટીરિયલ અને બળતણના વધતા ખર્ચને કારણે ડેરી ઉદ્યોગ પર આર્થિક દબાણ વધ્યું છે. બીજી તરફ મધર ડેરીએ પણ જણાવ્યું કે કંપનીએ છેલ્લે એપ્રિલ 2025માં દૂધના ભાવમાં ફેરફાર કર્યો હતો અને હવે વધેલા ખર્ચને ધ્યાનમાં રાખીને પ્રતિ લિટરે રૂ. 2 નો વધારો અમલમાં મુકવામાં આવી રહ્યો છે.
અમૂલ અને મધર ડેરી બાદ હવે ખાનગી ડેરી સંચાલકો પણ ભાવ વધારો કરવાની તૈયારીમાં છે. આવતીકાલે વેપારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે જેમાં દૂધના ભાવમાં વધારો કરવા અંગે અંગે ચર્ચા થશે. જો બેઠકમાં સહમતિ બને તો ખાનગી ડેરીઓમાં નવા ભાવ 16 મે 2026થી અમલમાં આવી શકે છે.
માત્ર દૂધ જ નહીં પરંતુ દહીં, છાસ અને મીઠાઈ સહિતના દૂધજન્ય ઉત્પાદનોના ભાવમાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વેપારીઓની બેઠકમાં દહીં, છાસ, બટર, ચીઝ, ઘી, આઈસ્ક્રીમ અને અન્ય પ્રોડક્ટના વધતા ખર્ચ અંગે પણ ચર્ચા થશે. હાલ બજારમાં વિવિધ વિસ્તારોમાં ડેરી દૂધના ભાવ પ્રતિ લિટરે અંદાજે રૂ. 62 થી 68 વચ્ચે છે, જેમાં હવે વધુ રૂ. 2 નો વધારો થવાનો છે.
નિષ્ણાતોના મત મુજબ દૂધના વધેલા ભાવનો સીધો અસર ઘરેલુ બજેટ પર પડશે. ખાસ કરીને ચા-નાસ્તા, મીઠાઈ અને હોટલ-રેસ્ટોરન્ટ ક્ષેત્રમાં પણ ભાવવધારો જોવા મળી શકે છે. સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે દૂધ અને દૂધજન્ય ઉત્પાદનોના ભાવમાં વધારો સામાન્ય નાગરિકો માટે ચિંતાનો વિષય બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતની સૌથી મોટી દૂધ ક્ષેત્રની કંપની અમૂલ દ્વારા દૂધના ભાવમાં ગઇ સાંજે વધારો જાહેર કરવામાં આવ્યો હતો. દૂધના કારણે તેની બનાવટની તમામ ચીજો મોંઘી થવાનું સ્પષ્ટ છે. દહીં, છાશ, બટર, ચીઝ વગેરેના ભાવો વધી શકે છે. દૂધ મોંઘુ થવાની અસર હેઠળ ચા પણ મોંઘી થઇ શકે છે.
ખાનગી ડેરી એસો. દ્વારા બેઠક યોજીને નિર્ણય લેવામાં આવનાર છે. દૂધ અને દૂધની બનાવટોના ભાવ પણ તેમાં નકકી કરવામાં આવશે. દૂધ આવશ્યક ચીજવસ્તુ ગણાય છે. એટલે તમામ પરિવારોના ભોજનના બજેટને પણ અસર કરશે.

