Rajkot. તા.14
વાવડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં બિહારી શ્રમિક યુવાનને મિત્રએ પૈસા બાબતે બોલાચાલી કરી માથામાં મોટા પથ્થરનો ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે તાલુકા પોલીસે આરોપી વિરુધ્ધ હત્યાનો પર્યડ5 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે મૂળ બિહારના વતની અને હાલ રાજકોટમાં રહેતા સુધીરકુમાર અવધકુમાર તિવારી (ઉ.વ.35) નામના યુવાન પર વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પથ્થર વડે ખૂની હુમલો કરવામાં આવતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
જે અંગે તે યુવાનના નાના ભાઇ અને ગોંડલ રોડ પર પરિન ફર્નીચરની પાછળ રહેતા પ્રવીણ અવધકુમાર તિવારી (ઉ.વ.26) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે બિલાલ ભટ્ટીનું નામ આપી જણાવ્યું હતું કે, તે અહીં પ્લમ્બિંગના કારખાનામાં મજૂરી કામ કરે છે તેઓ પાંચ ભાઈ અને બહેન છે. યુવાનનો મોટો ભાઈ સુધીર તેના પરિવાર સાથે રાજકોટમાં રહે છે અને ખોડલ એન્ટરપ્રાઇઝ સ્વાતિ પાર્ક કોઠારીયા ખાતે કારખાનામાં કામ કરે છે.
ગઈકાલે બપોરના સાડા ત્રણ વાગ્યે આસપાસ યુવાન કારખાને કામે હતો ત્યારે તેને તેના ભાઈ સુધીરના મોબાઈલમાંથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, આ મોબાઈલ વાળા ભાઈને તમે ઓળખો છો, જેથી યુવાને કહ્યું હતું કે, તે મારા ભાઈ સુધીરનો મોબાઈલ નંબર છે, જેથી સામેવાળી વ્યક્તિએ કહ્યું હતું કે, તમારા ભાઈને એક વ્યક્તિએ માથામાં પથ્થર મારેલ છે, તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જઈએ છીએ બાદમાં યુવાન તુરંત સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો.
સિવિલ હોસ્પિટલમાં યુવાનના ભાઈ પાસે બે વ્યક્તિઓ હોય જેમના નામ પૂછતા તેમણે સાકીર શાહ અને અનિશ રાહીની જણાવ્યું હતું, તેમને બનાવ બાબતે પૂછતા તેમણે કહ્યું હતું કે, અમે બંને રોયલ ઇનોવેશન કારખાનાની બાજુમાં મીરા કાસ્ટિંગ રોડ પર વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ઈંડા અને મટનની દુકાન ચલાવીએ છીએ, અમારી દુકાને તમારો ભાઈ સુધીરકુમાર અને બિલાલ ભટ્ટી બંને અવારનવાર જમવા આવે છે, જેથી અમે તેને ઓળખીએ છીએ.
આજ રોજ સુધીર અને બિલાલ દુકાને આવ્યા હતા ત્યારે બંને અહીં રૂપિયા માટે બોલાચાલી અને ઝઘડો કરવા લાગ્યા હતા, જેથી તેમને ઝઘડો કરવાની ના કહેતા બને ત્યાંથી થોડે દૂર દુકાનની બાજુમાં ઝાડ નીચે બોલાચાલી કરતા હતા.
જેથી ફરી સાકીરે તેમને ઝઘડો કરવાની ના કહેતા બિલાલે નીચે પડેલ મોટો પથ્થર ઉપાડી સુધીરના માથામાં મારી દેતા સુધીર બેભાન થઈ ગયા હતો અને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી તેને અહીં સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવ્યા છીએ.
બાદમાં આ અંગે ઇજાગ્રસ્ત યુવાનના ભાઈએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી બીલાલ ભટ્ટી સામે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બનાવ અંગે વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આર. મેઘાણી અને ટીમે આદરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

