Rajkot. તા.14
રાજકોટ શહેર ફરીવાર અસુરક્ષિત બનતું જઈ રહ્યું છે. નવાગામમાં પોલીસ ખુદ લૂંટાયાના બનાવના થોડા અંતરમાં જ રીક્ષા ચાલક પાસેથી પણ છરીની અણીએ રોકડની લૂંટ ચલાવી બે શખ્સો નાસી છૂટ્યા હતાં. જો કે, મોડી રાતે સગીર સહિત બે આરોપીને પોલીસે પકડી મુદામાલ રિકવર કરવાં તજવીજ આદરી હતી.
બનાવ અંગે ચોટીલાના ગોલીડા ગામે રહેતાં જયન્તિભાઈ તળસીભાઈ માલકિયા (ઉ.વ.43) એ નોંધાવેલ ફરીયાદમાં બે અજાણ્યા શખ્સોના નામ આપતાં થોરાળા પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓને સંતાનમા બે દિકરા છે અને તેઓ રીક્ષા ડ્રાઇવિંગ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગઇ તા. 12 ના સવારના આસરે અગિયારેક વાગ્યાના અરસામા તેઓ પોતાની સીએનજી રીક્ષા લઇને ભાવનગર રોડ પર આજીડેમ ચોકડીથી ચુનારાવાડ ચોક જતો હતો, તે દરમ્યાન અમુલ સર્કલ પહેલા બે શખ્સો ઉભા હતા અને હાથનો ઇસારો કરેલ જેથી ફરીયાદીને એમ હતુ કે, પેસેંજર હશે. જેથી રીક્ષા રોડની સાઇડમા ઉભી રાખેલ હતી.
આરોપીઓએ કહેલ કે, મારે માર્કેટીંગ યાર્ડ જવુ છે, જેથી બન્ને શખ્સો રીક્ષામા બેસી ગયેલ હતા. તે દરમ્યાન આ બન્ને શખ્સોમાંથી એક શખ્સે પોતાના નેફામાથી છરી કાઢેલ અને બીજા શખ્સે તેઓને પકડી રાખેલ અને કહેલ કે, તારી પાસે જેટલા રૂપીયા હોય તે મને આપી દે, જેથી રૂપીયા આપવાની ના પાડતા આ બન્ને શખ્સોએ તેઓ પાસેથી પરાણે ખિસામાથી રૂ.20100 કાઢીને ત્યાથી જતા રહેલ હતા. તેઓ ભયના કારણે તેમના ગામડે જતો રહેલ હતો.
ઘરે આ બાબતે વાત કરી ફરીયાદ નોંધાવેલ હતી. જે અંગેની ફરીયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધ્યો હતો અને એલસીબી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ આદર્યો હતો.
રેડલાઈટ એરીયામાં આવતાં અનેક લોકો પાસેથી બળજબરીથી રૂપીયા પડાવ્યાંનું પણ સામે આવ્યું
પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ રીક્ષા ચાલકને આંતરી લૂંટ ચલાવનાર પકડાયેલા સગીર સહિત બે આરોપીઓ મોડ્સ ઓપરેન્ડીથી લુટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. જેમાં ભાવનગર રોડ પર આવેલ રેડલાઇટ એરિયામાં આવતા લોકોને મોડી સાંજના સમયે રસ્તામાં આંતરી છરી જેવું હથિયાર બતાવીને 500 થી 2000 સુધીની રોકડની લૂંટ ચલાવતા હતા. સામાજિક ભયના કારણે અનેક લોકો ભોગ બન્યા બાદ પણ પોલીસ પાસે પહોંચતા ન હતા.

