Ahmedabad,તા.૨
કહેવાય છે કે સંતાનો ઘડપણની લાકડી બને છે, પરંતુ અમદાવાદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે સગા લોહીના સંબંધોને લજવી મૂક્યા છે અને માનવતાના લીરેલીરા ઉડાડી દીધા છે. પિતાના અવસાન બાદ જે દીકરાઓએ માતાની છત્રછાયા બનવાનું હતું, તેમણે જ પોતાની વિધવા માતાને દગો આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ મામલે પીડિત વૃદ્ધ માતાએ પોતાના જ બંને નરાધમ દીકરાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા લીલાવતીબેન નામના વૃદ્ધાના પતિનું તાજેતરમાં જ અવસાન થયું હતું. પતિના મૃત્યુના આઘાતમાંથી માતા હજી બહાર પણ નહોતી આવી, ત્યાં જ તેમના સગા દીકરાઓ કમલ અને અક્ષયની દાનત બગડી હતી. બંને દીકરાઓએ ભેગા મળીને પોતાની જ માતાને આર્થિક અને માનસિક રીતે પાયમાલ કરવાનું કાવતરું ઘડી કાઢ્યું.
લાલચમાં અંધ બનેલા કમલ અને અક્ષયે પિતાના અવસાન બાદ તેમના બેંક ખાતા પર નજર બગાડી હતી. વિધવા માતાની અજાણતાનો લાભ લઈને, દીકરાઓએ પિતાના મોબાઈલ પર આવતા બેંકના ઓટીપી ચોરી લીધા હતા. આ ઓટીપીનો ઉપયોગ કરીને તેઓએ પિતાના બેંક ખાતામાંથી રૂપિયા ૪.૩૦ લાખ પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.
દીકરાઓની લાલસા અહીં જ ન અટકી. પિતાએ ભવિષ્યની સુરક્ષા માટે મૂકેલી ૧૦-૧૦ લાખ રૂપિયાની એફડીમાં પણ બંને ભાઈઓએ છેડછાડ કરી અને તેમાં નોમિની તરીકે માતાનું નામ હટાવીને પોતાના નામ ચડાવી દીધા. આ ઉપરાંત, પિતાના કિંમતી સોનાના દાગીના અને લક્ઝુરિયસ હોન્ડા સિટી કાર પણ માતા પાસેથી જબરદસ્તી પડાવી લીધી હતી.
જ્યારે લીલાવતીબેનને આ સમગ્ર છેતરપિંડીની જાણ થઈ અને તેમણે પોતાના હક માટે બંને દીકરાઓ સામે વિરોધ નોંધાવ્યો, ત્યારે કમલ અને અક્ષયે તમામ મર્યાદાઓ ઓળંગી દીધી. પૈસાના નશામાં ચૂર દીકરાઓએ સગી જનેતાને સહારો આપવાના બદલે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી દીધી. અંતે, દીકરાઓના ત્રાસ અને છેતરપિંડીથી કંટાળીને અસહાય વિધવા માતા લીલાવતીબેને નારોલ પોલીસ સ્ટેશનમાં કમલ અને અક્ષય વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

