Ahmedabad, તા.૨૪
ગ્રામ્યના એક શહેરમાં રહેતી પરિણીતાએ હેવાન પતિની ધમકીથી ડોક્ટર અને પોલીસ સમક્ષ ખોટા નિવેદન નોંધાવ્યા હોવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. માતા સાથે વાત કરવા મામલે પતિએ બેટથી ફટકારતા પરિણીતાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન પતિએ તેને કાનમાં હકીકત જણાવીશ તો હું દવા પી ને મરી જઇશ છોકરો બાપ વિનાનો કરી નાખીશ તેમ કહીને ગર્ભિત ધમકી આપી હતી.
જેથી પરિણીતાએ મામલતદાર, ડોક્ટર અને પોલીસને ખોટા નિવેદન લખાવીને સીડી પરથી પડી ગઇ હોવાનું જણાવ્યું હતું. જોકે, માતા પિતાની પૂછપરછમાં પરિણીતા ભાંગી પડતા પતિની હેવાનિયતની હકીકત સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ધોળકામાં રહેતી ૩૩ વર્ષીય મહિલાએ ૧૦ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. પરિણીતાનો પતિ તાલુકા વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવે છે અને લગ્નના ત્રણેક વર્ષ બાદથી જ ત્રાસ આપતો હતો. આશરે ચારેક વર્ષ પહેલા પરિણીતા પતિથી કંટાળીને ૧૩ માસ રિસામણે પિયરમાં ગઇ હતી. જે બાદ સમાધાન થતાં પરત સાસરે રહેવા આવી હતી.
જોકે, પતિએ ફરી હેરાન પરેશાન કરતા તે ફરી આઠ માસ સુધી પિયરમાં રિસામણે રહી હતી. જે બાદ કોર્ટમાં અરજી કરી હતી. આ દરમિયાનમાં થોડા દિવસ પહેલા તે તેની માતા સાથે ફોન પર વાત કરતી હતી. જે પતિને પસંદ ન આવતા તેણે સવાર સાંજ કેમ ફોન કરે છે તેમ કહીને ગાળાગાળી કરીને માર માર્યો હતો. પતિએ હેવાન બનીને પત્નીને ફાયબરના બેટના ફટકા મારી દીધા હતા. પરિણીતા ગંભીર ઇજાગ્રસ્ત થતાં બેભાન થઇ ગઇ હતી. જેથી તેને પ્રાથમિક સારવાર કરાવીને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. એકતરફ, પરિણીતા દવાખાનાના બિછાને પડી હતી ત્યારે હેવાન પતિ રોકાયો નહોતો અને ડરના માર્યે પત્નીને કાનમાં કહીને ધમકી આપી કે આ બાબતે હકીકત જણાવીશ તો હું દવા પી ને મરી જઇશ અને છોકરો બાપ વિનાનો કરી નાખીશ. જેથી ગભરાયેલી પરિણીતાએ ડોક્ટર, મામલતદાર અને પોલીસને સીડી પરથી પડી ગઇ હોવાનું ખોટું નિવેદન લખાવ્યું હતું. પરિણીતાને ઓપરેશન અને પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા બાદ ચાર દિવસે રજા મળતા પતિની ગેરહાજરીમાં માતા પિતાએ પૂછપરછ કરી હતી. ત્યારે તેણે પતિના ત્રાસ અને હેવાનિયતની હકીકત જણાવી દેતા આખરે આ મામલે ધોળકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

