ફેબ્રિકેશનનું કામ કરવા આવનાર શખ્સે આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવતા સાબરમતી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી
Ahmedabad, તા.૧૨
શહેરના ન્યુ રાણીપમાં આવેલા એક ફ્લેટમાં ગંભીર બનાવ બનવા પામ્યો છે. એક મહિલાનો પતિ ઓફિસેથી મોડો આવવાનો હોવાથી ઘરનો દરવાજો ખુલ્લો રાખીને સંતાનો સાથે સુઇ ગઇ હતી. ત્યારે મધરાત્રે એક શખ્સે ઘરમાં ઘૂસીને બેડરૂમમાં સુતેલી સગીરા સાથે અડપલાં કર્યા હતા. સગીરાએ બૂમાબૂમ કરતા જ શખ્સ તેને લાફો મારીને ભાગી ગયો હતો.
સીસીટીવી આધારે સોસાયટીમાં ફેબ્રિકેશનનું કામ કરવા આવનાર શખ્સે આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવતા સાબરમતી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. ન્યુ રાણીપમાં આવેલા એક ફ્લેટમાં મહિલા તેના પરિવાર સાથે રહે છે. મહિલાનો પતિ કંપની ધરાવીને વેપાર કરે છે. ગત તા.૯મીએ મહિલાએ તેના પતિને ઓફિસથી ઘરે આવવા બાબતે પૂછવા માટે ફોન કર્યો હતો. પતિએ આવવામાં મોડું થશે તેમ કહેતા મહિલા તેના સંતાનો સાથે ઘરનો દરવાજો ખુલ્લો રાખીને સુઇ ગઇ હતી. મધરાત્રે મહિલાની ૧૩ વર્ષીય પુત્રી અચાનક જ બૂમાબૂમ કરતા મહિલા સહિતના લોકો સફાળા જાગી ગયા હતા.
ત્યારે એક શખ્સ બેડરૂમમાંથી ભાગતો દેખાયો હતો. મહિલા તેની પાછળ ભાગતા તે ભાગી ગયો હતો. સોસાયટીમાં નવરાત્રિની તૈયારી થતી હોવાના કારણે રહીશો જાગતા હતા. મહિલાએ તેની પુત્રીને પૂછતા તેણે જણાવ્યું કે એક શખ્સે આવીને બિભત્સ વર્તન કરીને અડપલાં કર્યા હતા, દીકરી જાગી જતા તેણે બૂમો પાડતા આ શખ્સ લાફો મારીને નાસી ગયો હતો. જેથી મહિલાએ સોસાયટીના સીસીટીવી ફુટેજ તપાસતા ફેબ્રિકેશનનું કામ કરવા આવીને સોસાયટીના હોલમાં રહેતો નાગેશ ડાભી હોવાની હકીકત સામે આવી હતી. આ મામલે સાબરમતી પોલીસને જાણ કરાતા પોલીસે બાળકીને અડપલાં કરનાર નાગેશની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

