૬ મહિલાઓ સહિત ૧૦ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા: કુલ ૫.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad, તા.૮
અમદાવાદ શહેરના પોશ ગણાતા એસ.જી. હાઈવે અને સિંધુભવન રોડ વિસ્તારમાં સ્પા અને વેલનેસ સેન્ટરની આડમાં મસાજના નામે ચાલતા હાઈપ્રોફાઈલ કૂટણખાનાઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ની ટીમે શુક્રવારે(૭ ઑગસ્ટ) દરોડા પાડ્યા હતા. જેમાં SMCએ એકસાથે ૪ સ્પા પર દરોડા પાડીને દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કાર્યવાહીમાં સ્પા મેનેજરો અને ગ્રાહકો સહિત કુલ ૯ લોકોની ધરપકડ કરી છે, જ્યારે ૬ મહિલાઓ સહિત અન્ય ૧૦ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. ચારેય સ્થળેથી રોકડ, મોબાઈલ, લેપટોપ અને વાંધાજનક સામગ્રી મળી કુલ રૂ.૫.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
સિંધુભવન રોડ પર આવેલા સ્પામાં દરોડા દરમિયાન પોલીસે રૂ.૧.૨૬ લાખનો મુદ્દામાલ, મોબાઈલ અને ડ્ઢફઇ જપ્ત કર્યા છે. અહીંથી કાઉન્ટર પર મેનેજર તરીકે કામ કરતા ભાવિકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સ્પાના મેનેજર કિલિકા, મોહસિન, રામબાબુ અને મેનેજરનો આસિસ્ટન્ટ મનીષ વોન્ટેડ જાહેર કરાયા છે.
થલતેજમાં બાગબાન પાર્ટી પ્લોટ પાસે આવેલા સ્પામાંથી પોલીસે રૂ.૭૧,૮૭૦ની મિલકત જપ્ત કરી છે. પોલીસે સ્થળ પરથી રીસેપ્શનિસ્ટ/થેરાપિસ્ટ ભારતી અને આસિસ્ટન્ટ અંકિતકુમારની ધરપકડ કરી છે. જ્યારે હર્ષવર્ધન અને કિરણભાઈ નામના બે સ્પા મેનેજરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ઇસ્કોન ચાર રસ્તા અને વાઈડ એંગલ પાસે આવેલા સ્પામાં સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. SMCએ અહીંથી સ્વાઈપ મશીન, વોકી-ટોકી સેટ, કરન્સી કાઉન્ટિંગ મશીન, લેપટોપ, યુપીઆઈ સ્કેનર અને કૌટુંબિક સામગ્રી સહિત રૂ.૨.૩૬ લાખનો સામાન જપ્ત કર્યો છે. આ કેસમાં મેનેજરો પ્રવીણ, નૈસદ અને નિશ્ચલની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્પા માલિક નરેન્દ્રસિંહ અને મેનેજર કૌશલ ફરાર થઈ જતાં તેમને વોન્ટેડ બતાવાયા છે.
વસ્ત્રાપુર તળાવ નજીકના સ્પામાંથી પોલીસે રૂ.૯૫,૫૦૦ની રોકડ અને લેપટોપ જપ્ત કર્યા છે. અહીંથી સ્પા મેનેજર રઘુવીરસિંહ તેમજ મસાજ કરાવવા આવેલા બે ગ્રાહકો દેવિન અને જયદેવભાઈની અટકાયત કરવામાં આવી છે. જ્યારે માલિક વીરેન્દ્રકુમાર અને મેનેજર મનીષ વોન્ટેડ છે.
SMCની ટીમે તમામ ચારેય સ્પા સામે અનૈતિક વ્યાપાર અટકાવ કાયદા અને ભારતીય ન્યાય સંહિતા(મ્દ્ગજી)ની વિવિધ કલમો હેઠળ સંબંધિત પોલીસ મથકોમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. એસ.જી. હાઈવે પરના સ્પામાં ચાલતા આ રેકેટ પાછળ અન્ય કયા મોટા માથાં સામેલ છે તે અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે.

