દહેગામ તાલુકાના ગલુદણ ગામમાંફૂડ વિભાગ દ્વારા સતત બીજા દિવસે સેમ્પલિંગની કામગીરી હાથ ધરાઈ
Gandhinagar, તા.૮
ગાંધીનગરના દહેગામ તાલુકાના ગલુદણ ગામમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી છે. ફૂડ વિભાગ દ્વારા જપ્ત કરાયેલા શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ તપાસ કરવામાં આવી હતી. વડોદરા ફૂડ લેબોરેટરીમાં સેમ્પલ મોકલ્યા છે. નોંધનિય છે કે, પ્રાથમિક તપાસમાં એસેન્સ અને કેમિકલ કલર ભેળવી ઘીના નામે જથ્થો બજારમાં વેચાતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી જેને લઇને તપાસ શરૂ થઇ છે.
ગાંધીનગરના દહેગામ તાલુકાના ગલુદણ ગામમાં ફૂડ વિભાગના દરોડા દરમિયાન કાર્યવાહી દરમિયાન મોટી માત્રામાં ડુપ્લીકેટ શંકાસ્પદ ઘીનો જથ્થો મળા આવ્યો હતો. પોલીસે આશરે ૪૮ લાખ રૂપિયાની કિંમતનો ૯૩૦૦ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઉપરાંત આશરે બે થી અઢી હજાર કિલો શંકાસ્પદ માવો પણ પોલીસે કબજે કર્યો છે.
પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ ઘીમાં એસેન્સ અને કેમિકલ કલર ભેળવી તેને ઘીના રૂપમાં બજારમાં વેચવામાં આવતો હોવાની આશંકા સામે આવી છે. સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવતા વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.
ગલુદણ ગામમાં ફૂડ વિભાગ દ્વારા સતત બીજા દિવસે પણ સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. સવારે ૧૦ વાગ્યા સુધીમાં ફૂડ વિભાગે અલગ-અલગ ૧૫ સેમ્પલ એકત્રિત કર્યા છે. આ તમામ સેમ્પલને તપાસ માટે વડોદરા સ્થિત ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. દરમિયાન પકડવામાં આવેલા શંકાસ્પદ જથ્થાને ફૂડ વિભાગે સીઝ કર્યો છે. અનુજ ઘી અને બરસાના ઘીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. જ્યારે આજે અંજની ઘીના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવશે.
ફૂડ વિભાગ દ્વારા મોડી રાત સુધી સેમ્પલ એકત્ર કરવાની કામગીરી ચાલી હતી. હવે લેબોરેટરીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. સામાન્ય દિવસોમાં ફૂડ લેબોરેટરીમાંથી આશરે ૧૪ દિવસમાં રિપોર્ટ મળતો હોય છે.
જો લેબોરેટરીના પરીક્ષણમાં ઘીમાં ભેળસેળ અથવા અન્ય ગેરરીતિ સાબિત થશે તો જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
ભેળસેળની પુષ્ટિ થયા બાદ પોલીસ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.હાલ સમગ્ર મામલે ગાંધીનગર પોલીસ મથકમાં માત્ર જાણવાજોગ નોંધ કરવામાં આવી છે અને ફૂડ વિભાગના લેબોરેટરી રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

