Palanpur,તા.૯
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ ‘ગાય’ અને ‘ગૌશાળા’ રાજનીતિના કેન્દ્રમાં આવ્યા છે. વાવ તાલુકાના માવસરી ગામની ગૌશાળામાં ૧.૨૪ કરોડના કૌભાંડના ગંભીર આક્ષેપો સાથે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કિસાન કોંગ્રેસે આ મામલે ભાજપના સ્થાનિક નેતા પર સીધા પ્રહારો કર્યા છે.
વાવ-થરાદના ધરણીધર માવસરી ગામમાં આવેલી ગૌશાળાના વહીવટમાં નાણાકીય ઉચાપત થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. સરકાર તરફથી ગાયોના નિભાવ માટે મળતી સહાય અને ગૌશાળાના અન્ય વહીવટી નાણાંમાં મોટી ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ લાગ્યા છે.
કિસાન કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લાના ચેરમેન ઠાકરસી રબારીએ ગૌશાળાના નિભાવ ખર્ચમાં થયેલા કૌભાંડ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે સીધો નિશાન માવસરી ગામના સરપંચ પતિ અને વાવ તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ વ્યાસ પર સાધ્યું છે. કોંગ્રેસનો સ્પષ્ટ આરોપ છે કે ગાયોના નામે ફાળવવામાં આવેલા ૧.૨૪ કરોડના વહીવટમાં મોટી ઉચાપત કરવામાં આવી છે. જોકે, બીજી તરફ ભાજપ નેતા પ્રકાશ વ્યાસ દ્વારા આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી નકારી કાઢવામાં આવ્યા છે. હાલમાં બંને પક્ષો પોતાની પાસે મજબૂત પુરાવા હોવાના દાવા કરી રહ્યા છે, જેથી રાજકીય મામલો ગરમાયો છે.
બનાસકાંઠા જિલ્લો પશુપાલન અને ગૌસેવા માટે જાણીતો છે. આગામી સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે કોંગ્રેસ આ મુદ્દાને ચગાવીને ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. ગૌશાળામાં ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ભારે ચર્ચાઓ જાગી છે.
હવે જોવાનું એ રહેશે કે આ ૧.૨૪ કરોડના હિસાબની તપાસમાં શું બહાર આવે છે અને આ ‘ગૌ-રાજનીતિ’ આગામી ચૂંટણીઓમાં કોને ફાયદો કરાવશે.

