Bhavnagar, તા.5
સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન, ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન તથા સંયુક્ત ટ્રેડ યુનિયનનો ઉપક્રમે ભાવનગર માં આજરોજ આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસ નિમિત્તે તેમજ ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે સવારે 9:30 કલાકે પાનવાડી ચોક ખાતે શહીદ વંદના તથા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ધ્વજવંદન સીઆઇટીયુ ના મહામંત્રી અશોકભાઈ સોમપુરા તથા એલ.આઇ.સી યુનિયનના કમલેશભાઈ ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસ નિમિત્તે તમામ શ્રમજીવીઓને રૂપિયા 26,000 લઘુતમ વેતન આપો તથા રૂપિયા 10,000 લઘુતમ પેન્શન આપો, આંગણવાડી અને આશા બહેનોને લઘુત્તમ વેતન આપી કાયમી બનાવો, કોન્ટ્રાક્ટ ફિક્સ પગાર આઉટસોર્સિંગ અને કરાર આધારિત નોકરી પ્રથાનો અંત લાવો તથા નજીવા પગારમાં કામ કરતી આંગણવાડી અને આશા વર્કરો ઉપર ધાક ધમકી સહિતના માનસિક ટોર્ચિંગ બંધ કરો, મોબાઈલ એપ્લિકેશન ના કામનો બોજ ઘટાડવા અને તાત્કાલિક માગણીઓનો ઉકેલ લાવો સહિતની માગણી માટે માગણી દિવસની ઉજવણી ના ભાગરૂપે પાનવાડી ચોક ખાતેથી રેલી યોજી જિલ્લા કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધતા આવેદનપત્રો આપવામાં આવ્યા હતા.
આવેદનપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે શ્રમજીવીઓ ના લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં ન આવે તથા ઇપીએફના પેન્શનમાં વધારો ન કરવામાં આવે અને આંગણવાડી અને આશા વર્કરોને લઘુતમ વેતન ચૂકવવાની જાહેરાત કરવામાં ન આવે તો વ્યાપક આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી હતી.
તારીખ 23મી માર્ચના રોજ ગુજરાતના ચાર જેટલા કેબિનેટ મિનિસ્ટરો તથા સચિવ દ્વારા જે પ્રશ્ર્નોના ઉકેલની હૈયાધારણા આપવામાં આવી હતી તે માગણીઓ નો ઉકેલ સરકાર તાત્કાલિક લાવે તેવી પણ માગણી કરાઈ હતી

