Bengaluru તા. 10
શું ખેલાડીઓ આઈપીએલમાં ઈજા હોવા છતાં રમે છે અને પછી તેમની ઈજાની સારવાર અને પુનર્વસન (રિહેબ) બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ના ભરોસે છોડી દેવામાં આવે છે? બીસીસીઆઈના CoE સાથે જોડાયેલા એક સૂત્રએ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
CoE ના સૂત્રએ કહ્યું કે, “ખૂબ જ વધારે ક્રિકેટ રમાઈ રહ્યું છે. શરીરની પણ પોતાની મર્યાદાઓ હોય છે. ખેલાડીઓ આઈપીએલમાં ફ્રેન્ચાઈઝી અને આર્થિક દબાણના કારણે ઈજા હોવા છતાં રમે છે અને પછી તેમને CoE ના ફિઝિયો સામે મોકલી દેવામાં આવે છે.” સૂત્રએ જોકે CoE અને ટીમના ફિઝિયો પર કોઈ પ્રકારે બેદરકારીનો આરોપ લગાવ્યો નથી.
તેમણે કહ્યું કે, ટીમ અને CoE ના ફિઝિયો સક્ષમ અને જવાબદાર છે અને ખેલાડીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યા છે. પરંતુ આ પરિસ્થિતિના કારણે પસંદગીકારો, કોચ અને કેપ્ટન માટે ખેલાડીઓની ઉપલબ્ધતા નક્કી કરવી મુશ્કેલ બની જાય છે.
CoE ના સૂત્રની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ટીમ ઘણા અગ્રણી ખેલાડીઓની ઈજાગ્રસ્ત થયાં છે. સાઈ સુદર્શન ઉપરાંત જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદર પણ ઈજાઓથી પીડાઈ રહ્યા છે. આકાશ દીપ પણ પીઠમાં સ્ટ્રેસ રિએક્શનના કારણે ઉપલબ્ધ નથી.
નવા રમત ચિકિત્સા પ્રમુખની શોધ ચાલુ : લક્ષ્મણ
બીસીસીઆઈના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (CoE) ના પ્રમુખ વીવીએસ લક્ષ્મણે રવિવારે કહ્યું કે CoE માં સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિકલ હેડ (રમત વિજ્ઞાન અને ચિકિત્સા પ્રમુખ) પદ માટે યોગ્ય ઉમેદવારની શોધ ચાલું છે.
નિતિન પટેલ લગભગ 18 મહિના પહેલાં આ પદ છોડી ગયા હતા. ત્યારથી સીનિયર ફિઝિયોથેરાપિસ્ટ ધનંજય કૌશિક આ કામ સંભાળી રહ્યા છે. લક્ષ્મણે સ્પષ્ટ કર્યું કે આ વિલંબ બીસીસીઆઈની ઉદાસીનતાના કારણે નથી.
તેમણે કહ્યું, “અમે ચાર અલગ-અલગ વિભાગો (વર્ટિકલ્સ) માં કામ કરીએ છીએ. નિતિનના ગયા પછી અમને એવો કોઈ વ્યક્તિ મળ્યો નથી જે આ પદ સંભાળી શકે. અમે યોગ્ય વ્યક્તિની સતત શોધ કરી રહ્યા છીએ.”
ફિટનેસ પાછી મેળવવાની નક્કી સમય-સીમા નહીં
CoE નો બચાવ કરતા તેના પ્રમુખ વીવીએસ લક્ષ્મણે કહ્યું છે કે ખેલાડીઓની ઈજામાંથી ઉભરવાની ધીમી પ્રક્રિયા માટે કેન્દ્રને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી. તેમણે રવિવારે કહ્યું કે ક્રિકેટર કોઈ ‘મશીન’ નથી, જેમની ફિટનેસ દરેક વખતે નક્કી કરેલી સમયસીમાની અંદર પાછી આવી જાય.
દરેક મુદ્દા પર બોલ્યા લક્ષ્મણ
► સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) : CoE ફક્ત ઈજામાંથી ઉભરવા અને ફિટનેસ મેળવવા સુધી સીમિત નથી, ખેલાડીઓને ઉત્કૃષ્ટતા હાસિલ કરવામાં મદદ કરવી પણ એની જવાબદારી છે.
► ખેલાડીઓની દેખરેખ : ઈજામાંથી ઉભરીને ફિટ જાહેર થવા અને CoE છોડવા સુધી ખેલાડીની પ્રગતિ પર સતત નજર રાખવામાં આવે છે.
► ઉભર્યા પછી : ખેલાડીની રિકવરી મુજબ ટ્રેનિંગ લોડ વધારવામાં આવે છે.
► પસંદગી અંગે કહ્યું : સામાન્ય રીતે પ્રવાસનાં ત્રણથી ચાર સપ્તાહ પહેલા ટીમ પસંદ કરવામાં આવે છે. પસંદગી પછી પણ ખેલાડીને 21 કે 28 દિવસમાં ફિટ થવાનો સમય મળી શકે છે.
► અંતિમ નિર્ણય ફિટનેસ પર : ટીમ રવાના થવાના સમયે અથવા મેચ પહેલા ખેલાડીની વાસ્તવિક ફિટનેસ જોઈને અંતિમ નિર્ણય લેવામાં આવે છે.
► કડક ફિટનેસ માનદંડ : નક્કી કરેલા માનદંડો અને શરીરની પ્રાકૃતિક મર્યાદાઓના કારણે દરેક ખેલાડીનું સમય પર ફિટ થવું શક્ય નથી.
► ખેલાડીઓ સાથે બહેતર તાલમેલ : લક્ષ્મણે કહ્યું કે, પુરુષ અને મહિલા બંને ટીમોના CoE અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે શાનદાર તાલમેલ છે. જોકે કડક ફિટનેસ માનદંડો અને માનવ શરીરની પ્રકૃતિને જોતાં કોઈ ખેલાડી ચોક્કસ સમયસીમામાં સંપૂર્ણ રીતે ફિટ થાય તે હંમેશાં શક્ય બનતું નથી.

