શ્રીનાથજી સોસાયટીની ઘટનામાં માલવિયા પોલીસે રાયોટ સહિત કલમો હેઠળ ૭ સામે ગુનો નોંધ્યો
Rajkot તા.૨૫ઃ
શહેરના મવડી મેઇન રોડ પર શ્રીનાથજી સોસાયટી શેરી નં.૪માં મોડી રાત્રે ઘરની સામે ચડ્ડો પહેરી બેસવા બાબતે ઠપકો આપતાં બે જૂથો વચ્ચે છરી અને ધોકાથી મારામારી થતા ત્રણ મહિલા સહિત સાત વ્યક્તિઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા માલવિયા પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને બંને જૂથના ૭ શખ્સો સામે રાયોટ સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં મવડી મેઇન રોડ પર શ્રીનાથજી સોસાયટીમાં રહેતા મુકેશભાઈ ભાણજીભાઈ રાઠોડ (ઉં.૪૮) પરિવાર સાથે રહે છે. ગઈકાલે રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં મુકેશભાઈનો પુત્ર રવિ ઘરની અગાસી પરથી સામે રહેતા પ્રદીપ ઉર્ફે લાલો અવાડિયા તથા કેશુભાઈ મેરને મોડી રાત્રે ઘરની બહાર બેસવા અને ઊંચા અવાજે વાતો કરવા બાબતે ઠપકો આપ્યો હતો. આ બાબતે બોલાચાલી થતાં મુકેશભાઈ અને રવિ નીચે ગયા હતા. દરમિયાન પ્રદીપ લોખંડનો સળિયો લઈ આવ્યો હતો, જ્યારે તેનો પુત્ર જીત સાવરણી સાથે આવ્યો હતો. ઝપાઝપી બાદ પ્રદીપના ભાણેજ સાવન અને અક્ષિત પણ ત્યાં આવ્યા હતા. સાવનના હાથમાં છરી અને અક્ષિતના હાથમાં લાકડાનો ધોકો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પ્રદીપે છરીથી મુકેશભાઈના ખભા નજીક ગળાના ભાગે છરકો માર્યો હતો, જ્યારે ધોકાથી મુકેશભાઈ અને રવિને માર મારવામાં આવ્યો હતો. બચાવવા વચ્ચે પડેલા મુકેશભાઈની પત્ની નીતાબેન અને પુત્રી ભાવિકાને પણ માર મારવામાં આવ્યો હતો. નીતાબેનને હાથમાં ઈજા થતાં ફ્રેક્ચર થયું હોવાનું તબીબે જણાવ્યું હતું. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પરિવારના વાહનોમાં પણ નુકસાન કરાયું હોવાની ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
સામાપક્ષે બીજી ફરિયાદમાં પ્રદીપભાઈ ઉર્ફે લાલો મુળુભાઈ અવાડિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.૨૪ની રાત્રે તેઓ પાડોશી કેશુભાઈ સાથે પોતાના ઘરની પાસે બેઠા હતા. દરમિયાન સામે રહેતા રવિ રાઠોડે બાલ્કનીમાંથી ચડ્ડો પહેરીને બેસવા બાબતે ઠપકો આપ્યો હતો. આ બાબતે બોલાચાલી થતાં રવિ છરી લઈને નીચે આવ્યો હતો અને ગાળો આપી ઝઘડો કર્યો હતો. ફરિયાદ મુજબ, રવિએ છરીથી પ્રદીપભાઈને આંખ ઉપર કપાળના ભાગે તથા માથામાં ઘા કરતાં લોહી નીકળ્યું હતું. દરમિયાન રવિના પિતા મુકેશભાઈ લોખંડનો પાઇપ લઈ આવ્યા હતા અને પ્રદીપભાઈને માથામાં ઘા માર્યો હતો. ઝપાઝપી દરમિયાન પ્રદીપભાઈનો ભાણેજ અક્ષિત સોનારા વચ્ચે છોડાવવા આવતાં રવિએ તેને પણ છરીના ઘા કરી માથા તથા ડાબા હાથમાં ઇજા પહોંચાડી હોવાનો આક્ષેપ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

